રાજકોટના 11 સહિત 45 ડેમોમાં માત્ર 2થી 20 ટકા પાણી, જામનગર-દ્વારકાના તમામ ખાલી

રાજકોટ જિલ્લાના 27 પૈકી 11 ડેમોમાં આજની સ્થિતિએ માત્ર 1.79 ટકાથી 20 ટકા જેટલો જ જળસંગ્રહ બચ્યો, ઉનાળામાં પાણીમાટે પરસેવો છૂટે તેવી સ્થિતિ ચાલુ વર્ષે…

રાજકોટ જિલ્લાના 27 પૈકી 11 ડેમોમાં આજની સ્થિતિએ માત્ર 1.79 ટકાથી 20 ટકા જેટલો જ જળસંગ્રહ બચ્યો, ઉનાળામાં પાણીમાટે પરસેવો છૂટે તેવી સ્થિતિ

ચાલુ વર્ષે ચોમાસુ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદના કોઈ એંધાણ નથી. છેલ્લા બે માસથી સૌરાષ્ટ્રમાં ક્યાંય નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી, જેના કારણે પીવાના પાણીની ગંભીર સમસ્યાએ અજગર ભરડો લઈ લીધો છે. સિંચાઈ વિભાગના આંકડા ચોંકાવનારા છે. આજની સ્થિતિએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 85 પૈકી 45 ડેમ લગભગ ખાલી જેવી અવસ્થામાં આવી ગયા છે. અમુક ડેમો તો સંપૂર્ણ ખાલી થઈ ચૂક્યા છે, જેના કારણે આગામી ઉનાળામાં ઘોર જળસંકટ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

સિંચાઈ વિભાગ મુજબ, રાજકોટ જિલ્લાના 27 પૈકી 11 ડેમોમાં આજની સ્થિતિએ માત્ર 1.79 ટકાથી 20 ટકા જેટલો જ જળસંગ્રહ બચ્યો છે. જેમાં ભાદર, ડોંકી, ગોંડલી, વાછપરી, વેરી, મોતીસર, છાપરવાડી-1, છાપરવાડી-2, ઈશ્વરીયા, કરમાળ અને કર્ણુકી ડેમનો સમાવેશ થાય છે. આ તમામ ડેમો હવે તળિયા ઝાટક થવાની તૈયારીમાં છે.

સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જયદીપ લાવડીયાએ જણાવ્યું કે, “સૌરાષ્ટ્રમાં સૌથી દયનીય સ્થિતિ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની છે.જામનગર જિલ્લાના 21 પૈકી 20 ડેમોમાં માત્ર 0.04 ટકાથી 14 ટકા જ પાણીનો સંગ્રહ બચ્યો છે. ફુલઝર-2 અને રૂૂપાવટી ડેમ તો સંપૂર્ણ ડ્રાય થઈ ગયા છે. જામનગરના 21 ડેમોમાં સરેરાશ માત્ર 8.35 ટકા જ પાણી બચ્યું છે.તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ 12 ડેમોમાં માત્ર 0.75 ટકા પાણીનો જળસંગ્રહ છે. આ જિલ્લાના 2 ડેમ સંપૂર્ણ ખાલી છે તો 10 ડેમોમાં માત્ર 0.02 ટકાથી 2.12 ટકા જ પાણી બચ્યું છે.આ ઉપરાંત મોરબી જિલ્લાના ડેમી-1માં 7.46 ટકા અને ડેમી-3માં માત્ર 2.89 ટકા પાણી બચ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધારી ડેમમાં 8.31 ટકા અને પોરબંદરનો સોરઠી ડેમ પણ સંપૂર્ણ ખાલી અવસ્થામાં છે.”
એકંદરે ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહેતા સૌરાષ્ટ્રભરમાં અત્યારથી જ પાણીના પોકારો ઉઠવા લાગ્યા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો સૌરાષ્ટ્રને ઘોર જળસંકટનો સામનો કરવો પડશે.

રાજકોટમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થવાને કારણે જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત એવા આજી અને ન્યારી ડેમમાં હવે માત્ર 1 મહિનો ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે.

આ સ્થિતિ અંગે માહિતી આપતા રાજકોટના મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, આજી ડેમ હાલ તેની કુલ ક્ષમતાના માત્ર 50% (450 ખઈઋઝ) અને ન્યારી ડેમ 33% (420 ખઈઋઝ) સંગ્રહ ક્ષમતા પર આવી ગયા છે. શહેરની દૈનિક (150 એમએલડી) 47 કરોડ લીટર પાણીની જરૂૂરિયાત પૂરી કરવા માટે અને ભવિષ્યમાં જળ સંકટ ન સર્જાય તે માટે રાજ્યના પાણી પુરવઠા મંત્રી તથા કૃષિ મંત્રીને પત્ર લખીને સૌની યોજના મારફતે નર્મદાનું પાણી ફાળવવાની માંગ કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *