ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 વર્ષીય હાર્દિકભાઈ હરેશભાઈ કિલજીનું સારવાર દરમિયાન મોત મોત થતાં મૃત્યુઆંક 10એ પહોંચ્યો છે. તેઓ ભાવનગરના ભરતનગર વિસ્તારના વર્ધમાનનગરમાં રહેતા હતા. હાર્દિકભાઈએ શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જોકે, તબિયત વધુ લથડતા તેમને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું.
અત્યારસુધી 61 લોકોનું નકલી દારૂ પીવાથી સ્વાસ્થ્ય કથળ્યું છે. આ પૈકી 25 વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમાંથી 10ની હાલત અત્યંત ગંભીર છે. ભાવનગરમાં મોકલાયેલી નકલી દારૂની 300માંથી 200થી વધારે બોટલો જપ્ત કરી લીધી હોવાનો દાવો કરાયો છે. લઠ્ઠાના ભોગ બનેલાનો આંક હાલ 70થી વધુ છે. આ આંકમાં હજુ પણ વધારો થાય તેવી ભીતિ છે.
હાલ અનેક અસરગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. કેટલાક દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે ગંભીર દર્દીઓને ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. એક દર્દી વેન્ટિલેટર પર હોવાનું પણ સામે આવ્યું છે.
સરકારના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા અસરગ્રસ્ત લોકોને શોધી કાઢી તેમની મેડિકલ તપાસ અને જરૂરી સારવાર કરાવવામાં આવી છે. સમગ્ર મામલે 21 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, જેમાંથી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
લઠ્ઠાકાંડની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓની ધરપકડ કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા છે. તપાસના તાર અન્ય રાજ્યો સુધી પહોંચતા હોવાના પગલે ત્યાં પણ તપાસ અને કાર્યવાહી કરવાની એજન્સીઓને છૂટ આપવામાં આવી છે. ભાવનગરના લઠ્ઠાકાંડમાં સતત વધી રહેલા મૃત્યુઆંકને પગલે સમગ્ર ઘટનાને લઈને ચકચાર મચી છે.
