ગોંડલ રીબડામાં રમતા-રમતા પહેલા માળેથી પટકાયેલી દોઢ વર્ષની માસુમ બાળાનું મોત

લોધિકાના હરીપર પાળ અને ધોરાજીના વાવડીમાં ગબડી પડેલા બે લોકોએ દમ તોડયો ગોંડલના રીબડામાં કારખાનામાં મજુરી કામ કરતાં શ્રમિક પરિવારનો દોઢ વર્ષની બાળકી અકસ્માતે રમતા…

લોધિકાના હરીપર પાળ અને ધોરાજીના વાવડીમાં ગબડી પડેલા બે લોકોએ દમ તોડયો

ગોંડલના રીબડામાં કારખાનામાં મજુરી કામ કરતાં શ્રમિક પરિવારનો દોઢ વર્ષની બાળકી અકસ્માતે રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ તાલુકાના રીબડા ગામે કારખાનામાં કામ કરતાં ઉત્તરપ્રદેશના પરિવારની ઉમંગીબેન પ્રતાપભાઈ શર્માની દોઢ વર્ષની માસુમ બાળકી અકસ્માતે રમતા રમતા કારખાનાના પહેલા માળેથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક બાળકી ત્રણ બહેનમાં નાની હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં લોધિકાના હરીપર પાળ ગામે રહેતા કિશન શૈલેષભાઈ યાદવ નામનો 11 વર્ષનો તરૂણ પોતાના ઘરે છત ઉપર હતો ત્યારે અકસ્માતે નીચે ગબડી પડયો હતો. જ્યારે ધોરાજીના વાવડી ગામે રહેતાં રાકેશભાઈ શંકારામભાઈ હાવત (ઉ.23) બે માસ પૂર્વે અકસ્માતે બે માળની ઉંચાઈએથી નીચે પટકાયો હતો. તરૂણ અને યુવાને રાજકોટ સારવારમાં દમ તોડી દેતાં બન્ને પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *