શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ રૈયા ટેલિફોન એકસચેન્જ વાળી શેરીમાં સાત વર્ષ પૂર્વે પૈસાની લેતી દેતી મામલે યુવકની હત્યા નિપજાવવાના ગુનામાં અદાલતે ગોવિંદ ધુઘા ભરવાડને આજીવન કેદ અને રૂૂ.75 હજારનો દંડ તેમજ પાંચ શખ્સોને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ રૈયા ટેલિફોન એકસચેન્જ વાળી શેરીમાં રેહતો હાર્દિક વિભા મકવાણા નામના યુવાન ઉપર ગોવિંદ ઘુઘા, ટીડીયો ઘુઘા, સેલા વિભા, રાહુલ સેલા, અર્જુન સેલા અને ઘુઘા વિભા સહિતના શખ્સે છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાની વિભાભાઈ કાળાભાઈ મકવાણાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં મૃતક હાર્દિક મકવાણાને ગોવિંદ ઘોઘા અને રાહુલ શેલા સાથે પૈસાની લેતી દેતી બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાનું જણાવ્યું હતું. ચાર્જશીટ બાદ સેશન્સ કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા મુળ ફરીયાદીના વકીલ અને સરકારી વકીલ દ્વારા મુળ ફરીયાદીની જુબાની લેવામાં આવેલી જેમાં મુળ ફરીયાદીએ કેસને અનુરૂૂપ જુબાની આપેલી અને આ કેસમાં અન્ય સાહેદોની જુબાની લેવામાં આવેલી જેમાં પણ તમામ સાહેદોએ મુળ ફરીયાદીની ફરીયાદને સમર્થન આપેલ.
ત્યાર બાદ કેસમાં સરકારી વકીલ દ્વારા દલીલમા નસ્ત્રઆરોપીઓએ ખુબ જ ઝનુની રીતે ફરીયાદીના દિકરા હાર્દિકને પૈસાની લેતી દેતી બાબતે ગેરકાયદેસર મંડળી રચી બધા આરોપીઓએ મિલાપીપણું કરી છરીઓના આડેધડ ઘા મારી મૃત્યુ નીપજાવેલ હોય અને આરોપીઓનો પ્રથમ દર્શનીય ગુન્હો હોય આવા આરોપીઓ સભ્ય સમાજમાં ખુલ્લેઆમ ફરે તો માનવજીવન માટે ખુબ જ જોખમરૂૂપ હોય જેથી આરોપીઓને આજીવન સજા કરવામાં આવે તેવી સરકારી વકીલની દલીલો ધ્યાને લઇ કોર્ટે આરોપી ગોવિંદ ઘુધા ભરવાડને આઈ.પી.સી. કલમ 302 હેઠળ સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો માની આજીવન કેદની સજા અને રૂૂા.75 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે પાંચ શખ્સોને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં મુળ ફરીયાદી વતી સીનીયર વકીલ અનીલભાઈ દેસાઈ, સરકારી વકીલ રક્ષિત કલોલા અને સમીર ખીરા રોકાયા હતા.
