ગુજરાતમાં ચૂંટણી આગલા દિવસે આપના વધુ એક નેતાએ પાર્ટી છોડી છે. આગાહી કાર પરેશ ગોસ્વામીએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને આપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને જાન્યુઆરીમાં સર્જાયેલ ખાતરની કૃત્રિમ તંગીના મુદ્દે અત્યાર સુધી મૌન રહ્યા બાદ આજે કાગરોળ મચાવી ‘આપ’ ઉપર માછલા ધોયા હતાં. જો કે, પત્રકાર પરિષદ પાછળ કરેલા ખર્ચ અંગે તરેહ તરેહની ચર્ચા જાગી છે. સાવરણો છોડી પરેશ ગૌસ્વામી ‘કમળ’ પકડે તેવી ચર્ચા છે.ખેડૂત નેતા પરેશ ગોસ્વામીએ ‘આપ’ સાથેના તમામ રાજકીય સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી છે. મીડિયાને સંબોધતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આમ આદમી પાર્ટીનું લક્ષ્ય ગુજરાતના ખેડૂતોનું ભલું કરવાનું નથી, પરંતુ માત્ર સત્તા મેળવવાનું છે. છેલ્લા પાંચ વર્ષમાં પાર્ટી ખેડૂતો માટે કંઈ પણ કરી શકી નથી.
પરેશ ગોસ્વામીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો, ત્યારે તેમણે પંજાબના મુખ્યમંત્રી પાસે ગુજરાતના ખેડૂતોને મદદ કરવા અપીલ કરી હતી, પરંતુ પંજાબની તિજોરીમાંથી ગુજરાતના ખેડૂતો માટે એક રૂૂપિયો પણ આપવામાં આવ્યો ન હતો. બીજી તરફ, ગુજરાતમાં ચૂંટણીઓ લડવા માટે સુરત, અમદાવાદ અને રાજકોટમાં હવાલા મારફતે કરોડો રૂૂપિયા મોકલવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પાર્ટીના કાર્યકરોને ઉપરથી સ્ક્રિપ્ટ આપવામાં આવતી હતી. ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવા છતાં, ખેડૂતોમાં ’ખાતર નથી મળી રહ્યું’ તેવી ખોટી અફવાઓ ફેલાવીને લાઈનો લગાવવામાં આવતી હતી.ખેડૂત હિત માટે જ્યાં નક્કર વિરોધ પ્રદર્શન કરવાની જરૂૂર હતી, ત્યાં પાર્ટી તરફથી કોઈ સપોર્ટ મળ્યો ન હતો. વિસાવદરના ધારાસભ્ય વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ માત્ર વિરોધ કરવા પૂરતા જ કામ કરી રહ્યા છે, જમીની સ્તર પર ખેડૂતો માટે કોઈ કામ દેખાતું નથી.
