અધિકારીઓ-પદાધિકારીઓ અને સરકારે બેઠક યોજી નાખી, લાખો લોકોની સેવા કરતી સંસ્થાઓને કોરાણે મૂકી દેવાતા ઘેરા પ્રત્યાઘાત
જૂનાગઢ ભવનાથના મિની કુંભ એટલે કે મહાશિવરાત્રી મેળાના આયોજનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આગામી 2026ના શિવરાત્રી મેળાને ઉત્તર ભારતના કુંભ મેળાની માફક અત્યંત ભવ્ય અને દિવ્ય રીતે યોજવા માટે ગઈકાલે ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જૂનાગઢના ધારાસભ્યો, મેયર, કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જોકે, મેળાની કરોડરજ્જુ ગણાતા ઉતારા મંડળને આ મહત્ત્વની બેઠકમાંથી બાકાત રાખવામાં આવતા પ્રમુખ ભાવેશ વેકરીયાએ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવતા ગંભીર આક્ષેપો કર્યા છે.
ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાએ આક્ષેપ કર્યો છે કે, વહીવટી તંત્ર અને પદાધિકારીઓ દ્વારા ઉતારા મંડળને જાણીબુજીને મીટિંગોથી દૂર રાખવામાં આવે છે. તેમણે રોષે ભરાઈને કહ્યું કે, સરકાર જે લોકો સાથે ચર્ચા કરી રહી છે, તેમાંથી ઘણાને તો મેળાની પાયાની જરૂૂરિયાતો કે વ્યવસ્થા સાથે કોઈ લેવાદેવા જ નથી. શિવરાત્રી મેળામાં આવતા 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓને નિ:શુલ્ક ભોજન અને આશરો પૂરો પાડતી સંસ્થા એટલે ઉતારા મંડળ. 250થી વધુ અન્નક્ષેત્રો જે રાત-દિવસ સેવા આપે છે, તેમની વાત સાંભળવાને બદલે સરકાર માત્ર એવા લોકો સાથે વાર્તાલાપ કરી રહી છે જેમને જમીની હકીકતની કોઈ જાણકારી નથી.
250થી વધુ અન્નક્ષેત્રો જે રાત-દિવસ સેવા આપે છે, તેમની વાત સાંભળવાને બદલે સરકાર માત્ર એવા લોકો સાથે વાર્તાલાપ કરી રહી છે ભાવેશ વેકરીયાએ મેળાના મેદાનની જમીન બાબતે અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, આઝાદીના સમયમાં ભવનાથ ક્ષેત્રમાં મેળા માટે 57 એકર જમીન રિઝર્વ રાખવામાં આવી હતી પરંતુ, વહીવટી તંત્રની મિલીભગત અને બેદરકારીને કારણે આ જમીન પર મોટા પાયે દબાણો ખડકી દેવામાં આવ્યા છે. તંત્રએ આ કિંમતી જમીનો વેચી નાખી છે અથવા ત્યાં આવાસો ઊભા કરી દીધા છે. અત્યારે હાલત એવી છે કે 15 લાખ લોકો માટે માત્ર 20 એકર જેવી જમીન બચી છે. જો આટલી ભીડમાં કોઈ નાસભાગ મચે કે દુર્ઘટના ઘટે, તો તેની સંપૂર્ણ જવાબદારી કલેક્ટર અને સરકારની રહેશે. અમે સત્ય બોલીએ છીએ એટલે જ અધિકારીઓ અમને મીટિંગોમાં બોલાવતા નથી.
2026ના આયોજન સામે સવાલો
જ્યારે સરકાર 2026 ના મેળાને ‘મહા કુંભ’ બનાવવાની વાતો કરી રહી છે, ત્યારે ઉતારા મંડળના આ આક્ષેપોએ તંત્રની પોલ ખોલી નાખી છે. અન્નક્ષેત્રો મેળાનો અભિન્ન ભાગ છે, જો તેમની સમસ્યાઓ સાંભળવામાં નહીં આવે અને જમીનના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો મેળાની ભવ્યતા માત્ર કાગળ પર રહી જશે તેવી ચર્ચાઓ હવે જૂનાગઢમાં જોર પકડ્યું છે. ભાવેશ વેકરીયાએ સ્પષ્ટ કર્યું છે કે, જો સત્ય દબાવવાનો પ્રયાસ થશે તો ઉતારા મંડળ આગામી દિવસોમાં ઉગ્ર વલણ અપનાવી શકે છે.
