પેલેસ રોડ પર જૈન દેરાસરમાં 43.29 લાખની ચોરી કરનાર ઓફિસ બોય સકંજામાં

  રાજકોટના પેલેસ રોડ પર આવેલા વર્ધમાનનગરના એક જૈન દેરાસરમાંથી રૂૂ. 43.29 લાખની મત્તાની ચોરી થવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. શ્રી જૈન શ્વેતાંબર મુર્તિ…

 

રાજકોટના પેલેસ રોડ પર આવેલા વર્ધમાનનગરના એક જૈન દેરાસરમાંથી રૂૂ. 43.29 લાખની મત્તાની ચોરી થવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. શ્રી જૈન શ્વેતાંબર મુર્તિ પૂજક તપગચ્છ સંઘ નામના ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ દેરાસરમાં છેલ્લા દોઢ વર્ષથી ઓફિસ બોય તરીકે કામ કરતો યુવક જ સીસીટીવી કેમેરામાં ચોરી કરતો આબાદ ઝડપાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ટ્રસ્ટીઓ તુરંત પોલીસ મથકે દોડી ગયા હતા, જ્યાં એ-ડિવિઝન પોલીસે તત્પરતા દાખવીને તસ્કરને ગણતરીના સમયમાં દબોચી લીધો છે અને ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

આ ચકચારી બનાવ અંગે શ્રોફ રોડ પર રહેતા અને ટ્રસ્ટના 71 વર્ષીય ટ્રસ્ટી હેમંતભાઈ ઈન્દુલાલભાઈ શાહે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, ટ્રસ્ટના કુલ સાત ટ્રસ્ટીઓમાંથી પાંચ રાજકોટમાં રહે છે અને તેઓ દર ત્રણ મહિને મંદિરના દાનનો હિસાબ કરે છે. ગત તારીખ 31 મેના રોજ જ્યારે રાજકોટના ટ્રસ્ટીઓ હિસાબ કરવા માટે મંદિરે ભેગા થયા, ત્યારે ઓફિસના સ્ટ્રોંગરૂૂમમાં રાખેલા લોખંડના કબાટના ખાનામાંથી અંદાજે રૂૂ. 35,29,200 ની કિંમતની 13.840 કિલોગ્રામ ચાંદી (જેમાં ચાંદીના ચોરસા, સિક્કા અને એક થાળી સામેલ હતા) તેમજ રૂૂ. 8 લાખની રોકડ રકમ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. કુલ રૂૂ. 43,29,200ની ચોરી થઈ હોવાની આશંકા જતાં ટ્રસ્ટીઓએ ઓફિસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.

સીસીટીવી ફૂટેજની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો હતો કે, મૂળ ચિતોડગઢ (રાજસ્થાન)ના અને હાલ દેરાસરની સામે જ રહેતા 25 વર્ષીય ઓફિસ બોય તન્નુ ભગવતીપ્રસાદ આમેટાએ તારીખ 04/04/2026 થી 17/05/2026 દરમિયાન અલગ-અલગ સમયે કબાટમાંથી આ ચોરીને અંજામ આપ્યો હતો. આ આરોપીને અગાઉ મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા હરેશભાઈ આમેટાની ભલામણથી માસિક રૂૂ. 15 હજારના પગારે નોકરી પર રાખવામાં આવ્યો હતો. ચોરી કર્યા બાદ આરોપી ગત તારીખ 18 મેના રોજ વતન જવાનું કહીને એક અઠવાડિયાની રજા પર ગયો હતો અને ત્યારબાદ પરત ફર્યો નહોતો તેમજ ફોન પણ ઉપાડતો નહોતો. હાલમાં એ-ડિવિઝન પોલીસના પીઆઈ જે. વી. વાઢીયા અને તેમની ટીમે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *