શાપર-વેરાવળમાં ઝાડા-ઉલટીથી બાળકીનું મોત, શહેરમાં રોગચાળાના 1100થી વધુ કેસ

રાજકોટ શહેર સહિત જિલ્લામાં ખાદ્યજન્ય અને પાણીજન્ય સહિત ઉનાળુ રોગચાળો વધુ વકરી રહ્યો છે. આરોગ્યની આવી ગંભીર સ્થિતિ વચ્ચે શહેરની ભાગોળે શાપર-વેરાવળમાં શ્રમિક પરિવારની સાત…

રાજકોટ શહેર સહિત જિલ્લામાં ખાદ્યજન્ય અને પાણીજન્ય સહિત ઉનાળુ રોગચાળો વધુ વકરી રહ્યો છે. આરોગ્યની આવી ગંભીર સ્થિતિ વચ્ચે શહેરની ભાગોળે શાપર-વેરાવળમાં શ્રમિક પરિવારની સાત વર્ષની બાળકીનું ઝાડા-ઉલ્ટીથી મોત થયુ છે. બાળકીને શહેરની જનાના હોસ્પિટલમાં ખાસેડવામા આવી હતી. જ્યા સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

બીજીબાજુ મહાનગરપાલિકા એટલે કે શહેરી વિસ્તારમાં પણ ઉનાળુ રોગચાળાના ચિંતાજનક કેસ સામે આવ્યા છે. માત્ર એક અઠવાડિયામાં વાયરલ સહિત 1100થી વધુ કેસ આવ્યા છે. આ આંકડા માત્ર સરકારી ચોપડે નોંધાયા હોય તેવા જ છે. ખાનગી હોસ્પિટલનો સર્વે કરવામા આવે તો સાચી ગંભીરતા સામે આવી શકે છે. રાજકોટના શાપરમાં મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારની સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલ્ટીની બિમારી સબબ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં ભુમિ ગેઈટ અંદર આવેલ શ્રીહરિ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં કામ કરતાં શ્રમિક પરિવારની શિવાંગીબેન ગુડ્ડુભાઈ રાજભટ્ટ નામની સાત વર્ષની માસુમ બાળકીને ઝાડા ઉલ્ટીની બિમારી સબબ તાત્કાલીક સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ બાળકીનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળકીનો પરિવાર મુળ ઉતર પ્રદેશનો વતની છે. મૃતક બાળકી ત્રણ ભાઈ બે બહેનમાં મોટી હતી. બાળકીનો પરિવાર શાપર વેરાવળમાં આવેલા શ્રીહરિ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં કામ કરે છે. માસુમ બાળકીનું ઝાડા ઉલ્ટીની બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમં કાળજાળ ગરમીથી ફૂડ અને પાણીજન્ય રોગચાળાએ અજગરભરડો લીધો છે. છેલ્લા એક સપ્તાહમાં ઝાડા-ઉલ્ટી ઉપરાંત વાયરલ રોગચાળાના કેસ વધ્યા છે. મનપાની આરોગ્ય શાખાના અઠવાડિક રિપોર્ટ પરથી રોગચાળાની ચિંતાજનક હાલત સામે આવી છે. એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 446, સામાન્ય તાવના 524, ઝાડા-ઉલ્ટીના 219, ટાઇફોઇડ તાવનો 1, કમળાના 2 સહિત સહિતના 1100થી વધુ કેસ નોંધાયા છે અને આ આકડાં માત્ર સરકારી હોસ્પિટલ અને મનપાના આરોગ્ય કેન્દ્રમાં આવેલા કેસ છે. ખાનગી હોસ્પિટલનો સર્વે કરવામા આવે તો રોગચાળાના કેસની ચિંતાજનક સ્થિતિ સામે આવી શકે છે. મનપાએ જાહેર કરેલા અઠવાડિક કેસમાં શરદી-ઉધરસના 749, તાવના 711, ઝાડા-ઉલ્ટીના 423 કેસ નોંધાયા છે.

કાળઝાળ ગરમીમાં પણ મચ્છરોના બ્રીડીંગ, બેદરકારી 497 આસામીને નોટિસ

રાજકોટમાં હાલ 40થી 41 ડીગ્રી આકરા તાપ વચ્ચે પણ અમુક વિસ્તારમાં મચ્છરો લોકોને તોબા પોકારાવી રહ્યા છે. આવા ઉનાળામાં પણ ડેન્ગ્યૂ અને ચીકનગુનિયા ફેલાવતા મચ્છરોના બ્રીડીંગ થઇ રહ્યા છે. જો કે તેની પાછળ લોકોની બેદરકારી પણ જવાબદાર છે. પાણીના ખાબોચિયા ભરાય રહે, ગંદકીના ગંજ ખડકાઇ રહે ત્યા સુધી રખાતી બેદરકારીના પાપે મચ્છરોના બ્રીડીંગ થઇ રહ્યા છે. અઠવાડિયા દરમિયાન શહેરમાં રહેણાક સિવાય અન્ય 655 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ 709 જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 131 અને કોર્મશીયલ 366 સહિત 497 આસામીને નોટીસ ફટકારવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *