ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંગ્લેન્ડ સામે રમાનારી 3 મેચની વનડે (ODI) શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં એક મોટો ફેરફાર કર્યો છે. ઈજાના કારણે યુવા ખેલાડી નીતિશ કુમાર રેડ્ડી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, અને તેના સ્થાને વિસ્ફોટક ઓલરાઉન્ડર શિવમ દુબેની 2 વર્ષ બાદ વનડે ટીમમાં વાપસી થઈ છે. આ સિરીઝમાં ચાહકો માટે સારા સમાચાર એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમતા જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, નીતિશ કુમાર રેડ્ડીને અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડે મેચ દરમિયાન ઈજા પહોંચી હતી. આ પહેલા ધર્મશાલામાં રમાયેલી પ્રથમ વનડેમાં પણ તેને ફિટનેસની સમસ્યા નડી હતી, જેના કારણે તે બીજી મેચ રમી શક્યો ન હતો. પોતાની આ જ ઈજાને કારણે તે આયર્લેન્ડ અને હવે ઇંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે.
નીતિશના સ્થાને હવે શિવમ દુબેને તક આપવામાં આવી છે. શિવમ દુબે ટી-20 ફોર્મેટમાં તો ટીમનો નિયમિત હિસ્સો રહ્યો છે, પરંતુ તેણે પોતાની છેલ્લી વનડે મેચ ઓગસ્ટ 2024 માં શ્રીલંકા સામે રમી હતી. હવે લગભગ 2 વર્ષના લાંબા અંતરાલ પછી તેને ફરીથી વનડે ફોર્મેટમાં પોતાની તાકાત બતાવવાની તક મળી છે. ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતની ટીમમાં શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર) છે.
રોહિત શર્માની જોરદાર પ્રેક્ટિસ
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, ટી-20 શ્રેણીની ધમાલ વચ્ચે ભારતનો દિગ્ગજ બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે અને મેદાન પર પગ મૂકતાની સાથે જ પ્રેક્ટિસ શરૂૂ કરી દીધી છે. રોહિત શર્માનો નેટ પર બેટિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કેટલાક શાનદાર શોટ રમતા જોવા મળી રહ્યો છે.
