ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંતપંચમીના સરસ્વતી પૂજાના પવિત્ર અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં ભક્તિને બદલે અસભ્યતા પીરસવામાં આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ધાર્મિક કાર્યક્રમના નામે સ્ટેજ પર મહિલાઓ પાસે ઠૂમકા લગાવવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં આ ચર્ચાનો વિષય બન્યો છે.
આનંદ પાર્ક સોસાયટીમાં વિદ્યાની દેવી મા સરસ્વતીની આરાધના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે ભક્તિમય માહોલને બદલે આયોજકોએ સ્ટેજ પર બીભત્સતાનો વરવો નમૂનો રજૂ કર્યો હતો.
જાહેર મંચ પર મહિલાઓ દ્વારા કરવામાં આવેલા અસભ્ય ડાન્સ અને ઠૂમકાઓને કારણે ત્યાં હાજર રહેલા મર્યાદિત પરિવારો અને વડીલો અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.
સૌથી ગંભીર બાબત એ છે કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાનાં બાળકો અને મહિલાઓ પણ ઉપસ્થિત હતાં. બાળકોના કૂમળા માનસ પર ખરાબ અસર પડી શકે એવા આ પ્રકારના આયોજન સામે સોસાયટીના જ કેટલાક જાગ્રત નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી છે. સરસ્વતી પૂજા જેવા પવિત્ર પર્વ પર અશ્ર્લીલ જેવું આયોજન એ સંસ્કારોનું અધ:પતન હોવાનું લોકો કહી રહ્યા છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સુરત શહેરમાં આ આયોજનને લઈ ચર્ચાઓ જાગી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આજના સમયમાં ધાર્મિક ઉત્સવો માત્ર મનોરંજન અને અશ્ર્લીલતાનું સાધન બની ગયા છે? જાહેરમાં આ પ્રકારે મર્યાદા ઓળંગનારા આયોજકો સામે કડક પગલાં લેવા જોઈએ એવી માગ પણ ઊઠી છે.
