હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન રાજ્યના જુદા જુદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવે છે. આ પદયાત્રીઓ દિવસ-રાત દરમ્યાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટએ ગતિ મર્યાદામાં વાહન ચલાવવા અંગેનું એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
આ અંતર્ગત રસ્તાઓ ઉપર પસાર થતા વાહનોના કારણે કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ શરૂૂ થાય ત્યાંથી ઝાખર પાટીયા – ખંભાળિયા – રાણ લીંબડી – ભાટીયા – દ્વારકાનો રૂૂટ, ઝાખર પાટીયા – ખંભાળિયા – રાણ લીંબડી – ગુરગઢ – દ્વારકાનો રૂૂટ, દ્વારકા – ઓખાનો રૂૂટ, દ્વારકા – નાગેશ્વરનો રૂૂટ, ભાટીયા – હર્ષદ માતાજી (ગાંધવી)નો રૂૂટ, હર્ષદ માતાજી – દ્વારકાના રૂૂટ પર પસાર થતા વાહન ચાલકોએ તા. 4 માર્ચ સુધી તેમનું વાહન 40 કિ.મી.પ્રતિ કલાકની ગતિ મર્યાદાથી વધારે ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું પરવાનગી અપાયેલ વાહનો, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનો તેમજ ઈમરજન્સી વાહનોને લાગુ પડશે નહીં.
હોળીના તહેવારોમાં દ્વારકા શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા દ્વારકા દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓની સલામતીને ધ્યાને રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ શહેરમાં તા. 5 માર્ચ સુધી પાર્કિગ-ઝોન અને નો-પાર્કિંગ ઝોન જાહેર કરતું જાહેરનામું કરી, પૂર્વ દરવાજાથી જોધાભા માણેક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઇટ સુધી, ત્રણબત્તી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા અને ત્રણબત્તી ચોકથી ભદ્રકાલી રોડ સુધી, હોમગાર્ડ ચોકથી ત્રણબત્તી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ ચોક સુધીના તેમજ શાક માર્કેટ ચોકની આજુબાજુનો વિસ્તાર 50 મીટરની ત્રિજ્યાના વિસ્તાર તથા એસ.ટી. ડેપોના વિસ્તાર તેમજ કીર્તિસ્તંભ, સુદામા ચોક, ભથાણ ચોક, મટુકી ચોક અને ભદ્રકાલી ચોકની આજુ-બાજુના 100 મીટર ત્રિજ્યાના વિસ્તારને નો-પાર્કીંગ ઝોન જાહેર કર્યો છે.
હાથીગેટ પાર્કિંગ, સર્કીટ હાઉસ પાછળનું ખુલ્લું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લું મેદાન, રાજપુત સમાજ વાડી સામે ગોમતી ઘાટનું ખુલ્લું મેદાન અને સ્વામિનારાયણ મંદીરના ગ્રાઉન્ડનું પાછળનું ગ્રાઉન્ડ, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, લાપીનોઝ પિત્ઝા બાજુમાં ફોર વ્હીલ, થ્રી વ્હીલ અને ભારે વાહનો માટે પાર્કીંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ
હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન રસ્તા પર ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટએ તા. 5 માર્ચ સુધી બેટ દ્વારકા શહેરમાં સુદર્શન સેતુના ઓખા તરફ આવેલ છેડેથી બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિર સુધી સરકારી એસ.ટી. બસ સિવાય ખાનગી બસો તથા ભારે તમામ વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે.
