ભાજપની SOPથી અનેકના સ્વપ્ના ઉપર ફરશે પાણી
પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય, ‘નો રિપીટ થિયેરી’ અપનાવી નવું નેતૃત્વ તૈયાર કરવા ઉપર મૂકાયેલો ભાર
ગુજરાતમાં તાલુકા- જિલ્લા પંચાયતો તથા પાલિકા મહાનગર પાલિકાઓની ચૂંટણીઓ જાહેર થઇ ગઇ છે અને સતાધારી પક્ષ ભાજપના ઉમેદવારો નક્કી કરવા રાજયભરમાં સેન્સપ્રક્રીયા ચાલી રહી છે તેની વચ્ચે ભાજપ દ્વારા ઉમેદવારો માટેના માપદંડો જાહેર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગત રાત્રે મળેલ પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં પાલિકા પંચાયતોની ચુંટણી લડવા માંગતા ઉમેદવારો માટે કડક માપદંડો નકકી કરાયા હતા અને નવુ નેતૃત્વ તૈયાર કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. સાથોસાથ ‘નો રિપીટ થિયેરી’ પણ અમલમાં મુકવા નિર્ણય લેવાયો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી માટે કેટલા સમીકરણો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં. ભાજપ હવે નવા અને યુવા ચહેરાઓને તક આપી લાંબા ગાળાનું નેતૃત્વ તૈયાર કરવા માંગે છે. જે ઉમેદવારો સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા આવ્યા છે, તેમને આ વખતે પડતા મૂકવામાં આવશે. આ નિર્ણયને કારણે અનેક સિનિયર નેતાઓની ટિકિટ કપાઈ શકે છે. ’એક પરિવાર, એક ટિકિટ’ના સૂત્રને સખ્ત રીતે વળગી રહેતા પક્ષે નક્કી કર્યું છે કે પરિવારમાં માત્ર એક જ વ્યક્તિને ટિકિટ ફાળવવામાં આવશે. નવી શરતોની સાથે ઉમેદવારની પસંદગીમાં પક્ષના જૂના અને પાયાના ધારાધોરણોને પણ ધ્યાને રાખવામાં આવશે, જેથી પક્ષની શિસ્ત જળવાઈ રહે.
મુખ્યમંત્રી નિવાસ્થાને મળેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયેલા આક્રમક નિર્ણયોને પગલે રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને વય મર્યાદા અને ત્રણ ટર્મના નિયમને કારણે વર્ષોથી પોતાની બેઠક પર પકડ જમાવી બેઠેલા નેતાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ભાજપ આ માપદંડો દ્વારા એન્ટી-ઈન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર) ને ખાળવા અને સંગઠનમાં નવી ઉર્જા ફૂંકવા માંગે છે.” આગામી દિવસોમાં જ્યારે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત થશે, ત્યારે આ ધોરણોની અસર સ્પષ્ટપણે જોવા મળશે.
10મી સુધીમાં ઉમેદવારો થશે જાહેર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાજ્ય ચૂંટણી પંચે બુધવારે જાહેર કરી દીધી છે. અંદાજે દસ હજાર ઉમેદવારોની પસંદગી માટે ભાજપે 1 એપ્રિલથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂૂ કરી છે. તમામ નિરીક્ષકોને 1થી 3 દરમિયાન જ સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી કરવાની સૂચના છે આમ છતાંય ક્યાંય મોટો વિસ્તાર હશે તો 4 એપ્રિલ સુધીમાં કામગીરી પૂરી કરી દેવાની રહેશે. નિરીક્ષકો સમક્ષ આવેલા દાવાઓ અને રજૂઆતો અંગે સુનાવણી માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 6થી 8 એપ્રિલ દરમિયાન મળશે. આ બેઠક બાદ પ્રદેશના આગેવાનો રાષ્ટ્રીય નેતૃત્વનુ માર્ગદર્શન મેળવીને 10 એપ્રિલ સુધીમાં તમામ ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે. 11 એપ્રિલ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે. 2021માં કોરોનાકાળમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે અભૂતપૂર્વ વિક્રમી બેઠકો અને સ્થાનિક સંસ્થાઓ કબજે કરી હતી. આ પરિણામ જાળવી રાખવાનો મોટો પડકાર ભાજપ સામે છે. સ્થાનિક સ્તરે જનતાના કામો, ગેરરીતિઓના આરોપો અને છેલ્લી ઘડીએ અન્ય પક્ષોમાંથી આવેલાને ટિકિટ આપવામાં આવતી હોય છે. આવા સ્થાનિક અસંતોષને ખાળવા માટે ભાજપ સ્થાનિક ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારના કામોને લઇને મેદાનમાં ઉતરાશે.
