ગમે તે ખેલાડી મેદાનમાં નહીં ઘુસી શકે, ડ્રિંકસ માટે અમ્પાયરની મંજૂરી ફરજિયાત

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની મેચો દરમિયાન મેદાન પર રમતની શિસ્ત જાળવી રાખવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કેટલાક નવા અને આકરા નિયમો…

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની મેચો દરમિયાન મેદાન પર રમતની શિસ્ત જાળવી રાખવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કેટલાક નવા અને આકરા નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમો ખાસ કરીને એવા ખેલાડીઓ માટે છે જેઓ પ્લેઇંગ ઇલેવનની બહાર છે અને બેન્ચ પર બેઠા હોય છે. BCCI એ સ્પષ્ટ કરી દીધું છે કે મેચ શરૂૂ થતા પહેલા ટીમ મેનેજમેન્ટ દ્વારા જે 16 ખેલાડીઓની લિસ્ટ આપવામાં આવે છે, માત્ર એ જ ખેલાડીઓને મેદાનમાં પ્રવેશવાની મંજૂરી મળશે. આ સિવાયના કોઈપણ ખેલાડી પર મેદાનમાં જવા અને બાઉન્ડ્રી પાસે ઊભા રહેવા પર સખત પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, હવેથી મેચ દરમિયાન ડગઆઉટમાં બેઠેલા વધારાના ખેલાડીઓ મનફાવે ત્યારે મેદાનમાં નહીં જઈ શકે. ભલે ડ્રિંક્સ બ્રેક ચાલતો હોય, બેટિંગ કરી રહેલા ખેલાડીને કોઈ મેસેજ આપવાનો હોય કે પછી સાધનો પહોંચાડવાના હોય, 16 ખેલાડીઓની લિસ્ટમાં જેનું નામ નથી તેવો કોઈ પણ ખેલાડી મેદાનની અંદર પગ મૂકી શકશે નહીં. BCCI અને IPL મેનેજમેન્ટે તમામ ટીમોના મેનેજરોને આ કડક નિયમોનું પાલન કરવાની ખાસ સૂચના આપી દીધી છે.આ ઉપરાંત, ડગઆઉટ અને બાઉન્ડ્રી લાઈનને લઈને પણ કેટલાક નવા નિયમો જારી કરાયા છે. તમે ઘણીવાર જોયું હશે કે ડગઆઉટમાં ખેલાડીઓ પીળા કે લીલા રંગની સ્લીવલેસ જર્સી (જેને બિબ્સ કહેવાય છે) પહેરીને બેઠા હોય છે. નવા નિયમ પ્રમાણે, હવેથી બાઉન્ડ્રીની આસપાસ આવા બિબ્સ પહેરેલા 5 થી વધુ ખેલાડીઓને બેસવા કે ઊભા રહેવાની બિલકુલ મંજૂરી મળશે નહીં. આ 5 ખેલાડીઓ પણ તે જ હોવા જોઈએ જેઓ અગાઉથી નક્કી કરાયેલી ટીમ લિસ્ટનો હિસ્સો હોય.

16 સભ્યોની ટીમ શીટમાં જેનું નામ નથી, તેમને બાઉન્ડ્રી લાઇન કે LED બોર્ડની આસપાસ ફરવાની સખત મનાઈ છે.મેચ દરમિયાન સમયનો બગાડ અટકાવવા માટે ડ્રિંક્સ બ્રેકના નિયમો પણ બદલાયા છે. પ્લેઇંગ કન્ડિશનના કલમ 11.5.2 મુજબ, હવે મેદાન પર અમ્પાયરની મંજૂરી વગર કોઈ પણ પીણાં (ડ્રિંક્સ) લઈ જઈ શકાશે નહીં. જો મેચ ચાલુ હોય અને ખેલાડીને પાણી જોઈતું હોય, તો તે બાઉન્ડ્રી પાસે ઊભો હોય ત્યારે જ તેને ડ્રિંક્સ આપી શકાશે અથવા તો જ્યારે કોઈ વિકેટ પડે ત્યારે જ ડ્રિંક્સ મેદાનમાં લઈ જઈ શકાશે. જે પણ ખેલાડી મેદાન પર ડ્રિંક્સ લઈને જાય, તેણે પોતાની ટીમનો સત્તાવાર યુનિફોર્મ પહેરેલો હોવો ફરજિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *