રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા અટલ સરોવરમાં બનાવવામાં આવેલી 42 દુકાનો ભાડે લેવા માટે કોઇ ધણી થતુ નથી. એકવખત થયેલુ ટેન્ડર ફ્લોપ જતા આગામી મહિનામાં ફરી ઇ-ઓકશનથી ટેન્ડર કરવામા આવ્યુ છે. પ્રતિ દુકાન રૂૂ. 4,48,734ની કિંમતની દૂકાનો ત્રણ વર્ષ માટે ભાડે આપવામા આવશે. દુકાનોની લેવાલી ન હોવા પાછળનું કારણ એ જાણવા મળ્યુ છે કે, રજા અને તહેવારના દિવસો સિવાય સહેલાણીઓ આવતા નથી. અગાઉ અપાયેલુ ફૂડ ઝોન પણ ફ્લોપ ગયુ છે.
રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા અટલ સરોવરની સાથે ખાણીપીણીના ધંધાર્થીઓને ઉપયોગમાં આવી શકે તેવી અલગ અલગ સાઇઝની 42 દૂકાનો પણ બનાવવામાં આવી છે. 2024માં આ અટલ સરોવરનું લોકાર્પણ કરાયા બાદ તુરંત જ મહાનગરપાલિકા દ્વારા આ 42 દૂકાનો ભાડે આપવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પણ, સ્માર્ટ સિટી અને ખાસ કરીને અટલ સરોવર વિસ્તારના ફેરીલેન્ડ સહિતની સુવિધાઓનો લાંબા સમય સુધી પ્રારંભ કરવામાં આવ્યો નહોય જાહેર રજાઓ અને રવિવારની રજા સિવાય મુલાકાતીઓનો પ્રવાહ ખુબ જ ઓછો રહે છે.
મહાનગરપાલિકા દ્વારા આ દુકાનો ઇ ઓક્શન દ્વારા ભાડે આપવા માટે અગાઉ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ તેમાં અપસેટ કિંમત મુજબ પણ ભાવ ન મળતાં ઇ ઓક્શન રદ કરવુ પડ્યું હતું. હવે ધીમેધીમે માનવ પ્રવાહ અટલ સરોવર તરફ વધી રહ્યો છે. અને રહેણાંક તેમજ કોમર્શિયલ બાંધકામો પણ શરૂૂ થવા માંડ્યા છે ત્યારે ફરીથી મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી ડેવલપમેનાટ લિમિટેડ દ્વારા દુકાનો ભાડે આપવા માટે ઇ ઓક્શન કરવામાં આવશે. આ માટે રીટેન્ડર કરી દેવાયું છે.
દુકાન ત્રણ વર્ષ માટે ભાડે આપવા માટે રીટેન્ડર કરવામાં આવ્યું છે. જેમાં ઓક્શન ફી એક દુકાનદીઠ 750 રાખવામાં આવી છે. જ્યારે પ્રતી દુકાનદીઠ ત્રણ વર્ષના અપસેટ ભાડાની રકમ ઇએમડી તરીકે રૂૂ. 4,48,734 ઓનલાઇન ભરવાની રહેશે. એક વર્ષ માટેનું ભાડું રૂૂ.1,49,578 અને ત્રણ વર્ષનું ભાડું રૂૂ. 4,48,734 રાખવામાં આવ્યું છે. આજ તા. 14 ઓગસ્ટથી તા. 21 સપપ્ટેમ્બર સુધી ઓનલાઇન ઓક્શન ડાઉનલોડ કરી શકાશે. સપ્ટેમ્બર મહિનાની 29 અને 30 તારીખે આ ઇ ઓક્શન કરવામાં આવશે. જેમાં તા. 29મીએ શોપ નંબર 1 થી 7, શોપ નંબર 14થી 20 અને શોપ નંબર 29 થી 35નું ઇ ઓક્શન કરવામાં આવશે. જ્યારે તા. 30 સપ્ટેમ્બરે શોપ નંબર 8 થી 13, શોપ નંબર 21 થી ર8, અને શોપ નંબર 36 થી 42નું ઇઓક્શન કરાશે.
