રાજકોટ શહેરમાં નંબર વિનાના વાહનો લઇને નીકળતા પેધી ગયેલા વાહન ચાલકોને સીધા દોર કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા સાથે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા શહેરના કાર્યરત તમામ પેટ્રોલ પંપ, ડીઝલ ડિસ્પેન્સિંગ સ્ટેશન અને સીએનજી પંપ ઉપર માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરના વાહનોમાં ઈંધણ પૂરવા પર તાત્કાલિક અસરથી પૂર્ણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ ચિંતન સાથે જણાવવામાં આવ્યું છે કે ‘નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં‘.
છેલ્લા ઘણા દિવસથી વાહન ચેકિંગ દરમિયાન પોલીસ સ્ટેશનો અને ટ્રાફિક શાખાના ધ્યાન પર આવ્યું હતું કે શહેરમાં અનેક વાહનચાલકો અને માલિકો પોતાના વાહનોની નંબર પ્લેટ ઈરાદાપૂર્વક કાઢી નાખીને, વાળીને, ઢાંકીને કે તેને ઘસીને વાહનો ચલાવી રહ્યા છે. આ પ્રકારનું કૃત્ય મુખ્યત્વે સીસીટીવી આધારિત ઈ-ચલણ ટ્રાફિક એન્ફોર્સમેન્ટ સિસ્ટમથી બચવા માટે કરવામાં આવતું હોય છે. તેમજ મોટાભાગના ગુનેગારો નંબર પ્લેટ વિનાના વાહનોનો ગુનામાં ઉપયોગ કરતા હોય છે, તેમજ ટ્રાફિક નિયમના ભંગને કારણે શહેરમાં બેફામ ડ્રાઈવિંગ, સિગ્નલ ભંગ અને મોટર વાહન અધિનિયમ-1988ના કાયદાઓનો અનાદર વધી રહ્યો છે. વળી, સ્પષ્ટ કે માન્ય હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ ચેઈન સ્નેચિંગ, લૂંટ, હીટ એન્ડ રન અકસ્માતો, ધાડ અને અન્ય સંગઠિત ગુનાઓ આચરવામાં થતો હોવાનું બહાર આવ્યું છે. નંબર પ્લેટ વગર ગુનેગારોની ઓળખ છતી ન થતી હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવતી એજન્સીઓને ગુનેગારો પકડવામાં ભારે અડચણ ઊભી થતી હતી. આથી જાહેર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ જાહેરનામા મુજબ, રાજકોટ શહેર પોલીસ કમિશનરેટની હદમાં આવેલ તમામ ઈંધણ સ્ટેશનો કોઈપણ દ્વિચક્રી (ટૂ-વ્હીલર), ત્રિચક્રી (થ્રી-વ્હીલર) કે ફોર-વ્હીલર (પછી તે વ્યાપારી હોય કે ખાનગી) વાહનમાં ઈંધણ ભરી શકશે નહીં, જો તે વાહનની આગળ અને પાછળ બંને બાજુ સ્પષ્ટ, દ્રશ્યમાન અને કાયદેસર માન્ય નંબર પ્લેટ ન હોય. તેમજ ખામીવાળી નંબર પ્લેટ ધરાવતા વાહનોને, નંબર પ્લેટ કાઢી નાખેલ હોય કે વાળેલી હોય, નંબર પ્લેટ તૂટેલી, ઢાંકેલી કે ઘસારાને લીધે વંચાય નહીં તેવી હોય.
માટી અથવા કીચડથી મેલી થયેલી અને અસ્પષ્ટ નંબર પ્લેટ હોય. જેમાં અક્ષર કે અંકના કદ, રંગ અને બનાવટમાં ગેરકાયદેસર ફેરફાર કરેલ હોય તે તમામ વાહનોમાં પેટ્રોલ,ડીઝલ કે સીએનજી નહી ભરી દેવા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે, આ કડક નિયમમાંથી અમુક ચોક્કસ વાહનોને રાહત આપવામાં આવી છે જેમાં જે વાહન પર માન્ય કામચલાઉ રજીસ્ટ્રેશન નંબર હોય અને વાહન માલિક પાસે ’નંબર ઓફ ચોઈસ ફ્રી’ ભરેલું સર્ટિફિકેટ હાજર હોય. તેમજ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટીની અગત્યની સેવા આપતા વાહનોને જાહેરનામા માંથી રાહત આપવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે તમામ પેટ્રોલ/સીએનજી પંપ માલિકોએ પોતાના પ્રવેશદ્વાર અને ડિસ્પેન્સિંગ યુનિટની નજીક ઓછામાં ઓછા 4 ડ્ઢ 3 ફૂટના મોટા સુચના-બોર્ડ ગુજરાતી તથા હિન્દી/અંગ્રેજી ભાષામાં પ્રદર્શિત કરવાના રહેશે. જેના પર “પોલીસ કમિશનરશ્રી, રાજકોટ શહેરના હુકમ અનુસાર નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં” એવું સ્પષ્ટ લખેલું હોવું જોઈએ. આ ઉપરાંત, ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટ-2023 અંતર્ગત તમામ પંપ પર સીસીટીવી સિસ્ટમ સંપૂર્ણ કાર્યરત રાખવી ફરજિયાત છે. એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર વાહનોની આગળ-પાછળની નંબર પ્લેટ અને ચાલકનો ચહેરો સ્પષ્ટ કેપ્ચર થાય તે રીતે કેમેરા ગોઠવવાના રહેશે અને તેનું આ ફૂટેજ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવી રાખવાનું રહેશે.
જો નંબર પ્લેટ ન હોવાના કારણે ઈંધણના આપવા બદલ કોઈ વાહનચાલક પંપ કર્મચારીઓ સાથે રકઝક કરે, ધમકી આપે કે અવ્યવસ્થા ઊભી કરે, તો પંપ સંચાલકોએ તુરંત નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે અથવા તો ઇમરજન્સી હેલ્પલાઈન 112 પર ડાયલ કરી પોલીસ મદદ મેળવવાની રહેશે.
આ જાહેરનામું તા.17/08/2026 થી તા.16/10/2026 સુધી કુલ 60 દિવસ અમલમાં રહેશે આ સિવાય કે તે પહેલાં તેને પરત ખેંચવામાં આવે અથવા તેમાં ફેરફાર કરવામાં આવે ત્યાં સુધી અમલમાં રહેશે, આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા તેની અવજ્ઞા કરનાર કોઈ પણ ઈસમ પછી તે વાહન માલિક હોય, વાહન ચાલક હોય કે પેટ્રોલ પંપના માલિક/સંચાલક/કર્મચારી વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ-223 તથા મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ કાયદેસરની ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ તંત્રના આ અણધારી અને આકરા પગલાંથી શહેરમાં વિના નંબર પ્લેટ વિના વાહનો ચલાવતા પેધી ગયેલા અને નિયમભંગ કરીને ફરતા વાહનચાલકોમાં ફાળ પડી છે. જોકે મોટાભાગના નંબર પ્લેટ વિનાના વાહનો પોલીસ સ્ટાફ કે રાજકીય અગ્રણી અને તેમના પરિવાર કે સંબંધીના હોય ત્યારે આ નિર્ણયને કારણે પેટ્રોલપંપના કર્મચારીઓ ભારે અસમંજસમાં મુકાઈ ગયા છે, નિયમનો અમલ કરાવવા જતા માથાકૂટનો ભોગ નાના કર્મચારીઓ જ બનશે.
રાજકોટના નાગરિકો ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં અવ્વલ નંબરે:પોલીસ કમિશનર
ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં અમલમાં આવેલ આ જાહેરનામાં મામલે રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં રાજકોટના નાગરિકો ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં અવલ્લ નંબરે છે, છેલ્લા ઘણા દિવસથી ચાલતા વાહન ચેકિંગ દરમિયાન મહત્વની બાબત ધ્યાન ઉપર આવી કે, શહેરમાં અનેક વાહનચાલકો અને માલિકો પોતાના વાહનોની નંબર પ્લેટ ઈરાદાપૂર્વક કાઢી નાખીને, વાળીને, ઢાંકીને કે તેને ઘસીને વાહનો ચલાવી રહ્યા છે. આ પ્રકારનું કૃત્ય મુખ્યત્વે સીસીટીવી આધારિત ઈ-ચલણ ટ્રાફિક એન્ફોર્સમેન્ટ સિસ્ટમથી બચવા માટે કરવામાં આવતું હોય છે. તેમજ મોટાભાગના ગુનેગારો પણ નંબર પ્લેટ વિનાના વાહનોનો ગુનામાં ઉપયોગ કરતા હોય છે,જે બાબતોને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે,
માથાકૂટ થાય તો પોલીસે પૂરતા સહયોગની ખાત્રી આપી છે : પેટ્રોલપંપ એસો.
પોલીસ કમિશનર દ્વારા વિના નંબર પ્લેટના વાહનોમાં ઈંધણ પૂરવા પર પ્રતિબંધ મૂકતો કડક આદેશ જારી કરવામાં આવ્યા બાદ, આ નિર્ણયની ચુસ્ત અમલવારી માટે ’રાજકોટ પેટ્રોલ ડીલર્સ એસોસિએશન’ ને વિશેષ સૂચનાઓ પાઠવવામાં આવી છે. ઈંધણ આપવાનો ઇનકાર કરવાથી પંપ પર થતી માથાકૂટ કે ઘર્ષણની સ્થિતિ સામે લડવા માટે પોલીસ વિભાગે પંપ સંચાલકોને પૂરા સહયોગની ખાતરી આપી છે. આ મામલે રાજકોટના પેટ્રોલપંપ ડીલર એશોસિએશનના કલ્પેશભાઈ તેમજ ગુજરાત પેટ્રોલપંપ ડીલર એશોસિએશનના પ્રમુખ મેહુલ પટેલે પોલીસને આ નિર્ણયને આવકાર્યો છે, પોલીસ અધિકારીઓએ આ નિર્ણય પૂર્વે પેટ્રોલપંપ ડીલર એશોસિએશનના આગેવાનો સાથે મીટીંગ કરી અભિપ્રાય માંગ્યો હતો હતો અને પંપ પર થતી માથાકૂટ કે ઘર્ષણની સ્થિતિ સામે લડવા માટે પોલીસ વિભાગે પંપ સંચાલકોને પૂરા સહયોગની ખાતરી આપી હતી. જાહેરનામાની જોગવાઈ મુજબ, નંબર પ્લેટ ન હોવાના કારણે ઈંધણ આપવાની મનાઈ કરતા જો કોઈ વાહનચાલક પંપ કર્મચારીઓ સાથે રકઝક કરે, ધાકધમકી આપે, બળનો ઉપયોગ કરે કે અશાંતિ ઊભી કરવાનો પ્રયાસ કરે, તો પંપ સંચાલકોએ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે અથવા ઇમરજન્સી સેવા 112 પર ડાયલ કરવાનું રહેશે. માહિતી મળતાં જ પોલીસ ટીમ ત્વરિત મદદ માટે સ્થળ પર પહોંચી જશે.
