નવા રિંગ રોડ પર આવેલ એપાર્ટમેન્ટ, સોસાયટીઓ છેલ્લા 7 વર્ષથી રોડ, રસ્તા, પાણીથી વંચિત, ડે.કમિશનરને રજૂઆત
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વધારો થતાં છેવાડાના વિસ્તારોમાં માનવ વસવાટમાં સતત વધારો થવા લાગ્યો છે જેમાં ખાસ કરીને મવડી ગામની પાછળથી નીકળતાં રીંગ રોડ-2ની ઉપર સાઈટમાં અનેક નવી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટો બની ગયા છે અને લોકો રહેવા પણ લાગ્યા છે. છતાં આ વિસ્તારોમાં મહાનગરપાલિકાની પાયાની સુવિધાઓ આજ સુધી ન મળતાં નવા રીંગ રોડ પર અર્જુન પાર્ટી પ્લોટની પાછળના 15 થી વધુ એપાર્ટમેન્ટનાં 500થી વધુ પરિવારોએ આજે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી જઈ સુવિધા આપોના નારા લગાવી ડે.કમિશનરને આવેદન પાઠવી આગામી મનપાની ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
શહેરના નવા રીંગ રોડ પર આવેલ અર્જુન પાર્ટી પ્લોટની પાછળના વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન અનેક એપાર્ટમેન્ટ અને સોસાયટીઓ બની ગઈ છે. જેમાં હજારો પરિવારો વસવાટ કરી રહ્યાં છે. પરંતુ આ વિસ્તારોમાં પીવાના પાણીની લાઈન નખાઈ ગઈ છે છતાં આજ સુધી પાણી વિતરણ થતુ નથી તેવી જ રીતે રોડ રસ્તાના ઠેકાણા નથી અને સ્ટ્રીટલાઈટ ન હોવાથી રાત્રીના સમયે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ મુદ્દે કોર્પોરેટર સહિતનાને અનેક વખત રજૂઆત કરી છતાં સાત વર્ષ થવા છતાં આજ સુધી સમસ્યાનુ નિરાકરણ ન આવતાં આજે 15થી વધુ એપાર્ટમેન્ટના મહિલાઓ સહિતના રહેવાસીઓએ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે હલ્લાબોલ કરી પાયાની સુવિધાઓ આપવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.
રીંગ રોડ-2 પર વસવાટ કરતાં 200થી વધુ પરિવારોએ ડે.કમિશનરને આવેદન પાઠવી જણાવેલ કે અમારી સોસાયટી, રાજકોટ ના વોર્ડ નંબર 11 માં, મોટા મવા, નવો 150 ફૂટ રીંગ રોડ, શ્રી નાથજી ચોક, પાસે આવેલ છે, અમો છેલ્લા પાંચ વરસ થયા, RMC ના વેરા ભરપાઈ કરી રહ્યા છે, આ વિસ્તાર ના રાજકારણીઓ, ધારાસભ્ય, કમિશનર શ્રી, જવાબદાર RMC અધિકારી ને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ સામાન્ય નાગરિક ની મૂળભૂત જરૂૂરિયતો પાણી, ડામર ના રસ્તા અને સફાઇ જેવી સામાન્ય સુવિધા પણ આપવામાં આવતી નથી અમો આજરોજ ડેપ્યુટી કમિશનર વેસ્ટ ઝોન ને આવેદન આપવા જઈ રહ્યા છીએ, હવે અમારા વડીલો, બાળકો, અને બેહનો, આ બિસ્માર, અત્યંત ખરાબ રસ્તા, અને પાણી ની અગવડતા થી ત્રાસી ગયેલા છીએ, આપ મીડિયા મારફત અમારા પ્રાણ પ્રશ્નો ને વાચા આપશો તેમ જણાવ્યું હતું.
સંકલનના અભાવે લોકોની સમસ્યા વધી
મહાનગરપાલિકામાં નવા ભળેલા વિસ્તોરો તેમજ મનપાની હદમાં આવતાં નવા ડેવલોપ થતાં વિસ્તારોમાં કોર્પોરેશનની પાયાની સુવિધાઓ મેળવવા માટે લોકો અવારનવાર તંત્રને રજૂઆત કરી રહ્યાં છે પરંતુ સ્થાનિક કોર્પોરેટરોમાં સંકલનનો અભાવ અને મનપાના અધિકારીઓ ફિલ્ડમાં ન ઉતરતાં તેમજ લોકોની રજૂઆતો ગંભીરતાથી ન લેતાં આજે પણ વર્ષોથી લોકો રહેતાં હોય તેવી સોસાયટીઓને તેવા અનેક વિસ્તારોમાં આજે પણ પીવાનું પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને રોડ રસ્તા સહિતની સુવિધાઓ મળી શકી નથી.
