પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષ વચ્ચે વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રને હચમચાવી મુકે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલ દ્વારા લેબનોન પર કરવામાં આવેલા સૈન્ય હુમલા અને યુદ્ધના આક્રમક વિસ્તરણના વિરોધમાં ઇરાને સંયુક્ત રાજ્ય અમેરિકા (ઞજ) સાથે ચાલી રહેલી તમામ મહત્વપૂર્ણ રાજદ્વારી વાટાઘાટોને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. ઇરાનની સત્તાવાર સમાચાર એજન્સી તસ્નીમના અહેવાલો અનુસાર લેબનોનમાં ઇઝરાયેલની સૈન્ય ગતિવિધિઓ તીવ્ર બનવાને કારણે આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇરાની વાટાઘાટકારો અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર યુદ્ધવિરામ માટે લેબનોનની સ્થિતિ એ મુખ્ય પૂર્વશરતનો એક ભાગ હતી. જોકે, વર્તમાન સમયમાં લેબનોન સહિત તમામ મોરચે આ યુદ્ધવિરામની શરતોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઇઝરાયેલી શાસન દ્વારા લેબનોનમાં આચરવામાં આવી રહેલા સૈન્ય મોરચાના વિરોધમાં ઇરાનની હાઇ-લેવલ નેગોશિયેટિંગ ટીમે મધ્યસ્થીઓ દ્વારા અમેરિકા સાથે થતી ચર્ચાઓ અને દસ્તાવેજોની આપ-લે પર સંપૂર્ણપણે રોક લગાવી દીધી છે.
ઇરાનના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્ય વાટાઘાટકારોએ ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યાં સુધી ગાઝા અને લેબનોનમાં ઇઝરાયેલી સેનાની ક્રૂર આક્રમક પ્રવૃત્તિઓ તાકીદે બંધ કરવામાં નહીં આવે અને લેબનોનના કબજે કરેલા વિસ્તારોમાંથી ઇઝરાયેલ પોતાના સૈનિકોને સંપૂર્ણપણે પાછા નહીં ખેંચે ત્યાં સુધી અમેરિકા સાથે કોઈ પણ સ્તરે સંવાદ પુન: શરૂૂ કરવામાં આવશે નહીં. ઇરાન અને તેના સહયોગી પ્રતિરોધક મોરચા (રેઝિસ્ટન્સ)ના વલણને સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ પ્રકારની મધ્યસ્થતા સ્વીકારવામાં આવશે નહીં.
આ રાજદ્વારી ગતિરોધની સાથે સાથે ઇરાને વૈશ્વિક વેપાર માટે અત્યંત સંવેદનશીલ ગણાતા જળમાર્ગો પર પણ સકંજો કસવાનું નક્કી કર્યું છે. અહેવાલો મુજબ તેહરાન દ્વારા આંતરરાષ્ટ્રીય ઉર્જા સપ્લાય માટે કરોડરજ્જુ સમાન ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) દરિયાઈ માર્ગને સંપૂર્ણપણે બ્લોક કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બાબ અલ-મંદબ સામુદ્રધુની સહિતના અન્ય સૈન્ય મોરચાઓ પર પણ પોતાની પકડ મજબૂત અને વધુ તીવ્ર કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેને પગલે આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને કોમર્શિયલ શિપિંગ પર ગંભીર અસરો પડવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
