ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં રાષ્ટ્રીય મંત્રી બનેલા મુળ કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાને ભાજપના પીઢ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઓળખતા જ નહીં હોવાનું નિવેદન આપતા ભારે ચર્ચા જાગી છે.
ભાજપના રાષ્ટ્રીય સંગઢનની જાહેરાત થયા બાદ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે 17 ઓગસ્ટે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ કરી અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ, સુરેન્દ્રનગરનાં પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ વર્ષા દોશી અને વડોદરાના ડો. હેમાંગ જોશીને અભિનંદન પાઠવ્યા હતા.
જોકે, રોહન ગુપ્તાને શુભેચ્છા ન પાઠવવા અંગે નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, હું રોહન ગુપ્તાને ઓળખતો નથી અને તેઓ મને ઓળખતા નથી. કંકોત્રી વગર કોઈના લગ્નમાં ન જવાય ને! હું તેમને કોઈ દિવસ મળ્યો નથી એ પણ મને ક્યારેય મળ્યા નથી. મને તેમનો પરિચય નથી. આ ત્રણેયને હું ઓળખું છું એટલે મેં તેમને શુભેચ્છા પાઠવી છે.તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપે 25 વ્યક્તિની નિમણૂંક કરી છે. હું બધાને તો ના ઓળખતો હોવ ને. ગુજરાતના ચાર લોકોને જવાબદારી મળી છે પણ હું ત્રણને જ ઓળખું છું. હું પણ કાર્યકર્તા છું અને એ પણ કાર્યકર્તા છે. નીતિન પટેલની આ ટિપ્પણીથી ભાજપના નવા સંગઠનાત્મક ફેરફારો વચ્ચે તેમની શુભેચ્છા પાછળનો વ્યક્તિગત પરિચય પણ ચર્ચામાં આવ્યો છે.
