નિર્લિપ્ત રાયની નિમણૂકથી ગોંડલનું રાજકારણ ધૂંધવાયું

જયરાજસિંહ જાડેજાએ બદલી રોકવા ધમપછાડા કર્યાના નિખિલ દોંગાના આડકતરા આક્ષેપથી સોશિયલ મીડીયામાં ધણધણાટી, અલ્પેશ કથિરિયાએ પણ ઝુકાવ્યું ગુજરાત પોલીસ દળના બાહોશ અને કડક છાપ ધરાવતા…

જયરાજસિંહ જાડેજાએ બદલી રોકવા ધમપછાડા કર્યાના નિખિલ દોંગાના આડકતરા આક્ષેપથી સોશિયલ મીડીયામાં ધણધણાટી, અલ્પેશ કથિરિયાએ પણ ઝુકાવ્યું

ગુજરાત પોલીસ દળના બાહોશ અને કડક છાપ ધરાવતા અધિકારી આઈપીએસ નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી તરીકે બદલી થતાની સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ગોંડલ વિસ્તારમાં આ બદલીને લઈને સોશિયલ મીડિયા પર જંગ ફાટી નીકળ્યો છે. આ બદલીને ગુંડારાજ ખતમ કરવાના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

નિર્લિપ્ત રાયની નિમણૂક થતા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ્સનો મારો શરૂૂ થયો છે. નિખિલ દોંગા દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ રિપોસ્ટ કરી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નિર્લિપ્ત રાયની નિમણૂકથી અનેક લોકોમાં ફફડાટ પેઠો છે.

કથીરિયાએ આશા વ્યક્ત કરી છે કે નિર્લિપ્ત રાય ગોંડલમાંથી ગુંડારાજને જડમૂળથી ખતમ કરશે.અલ્પેશ કથીરિયાની આ પોસ્ટ સીધી રીતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલને ટાર્ગેટ કરીને કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગોંડલમાં ચાલી રહેલા વર્ચસ્વના જંગને ડામવા માટે જ રાજ્ય સરકાર દ્વારા આ કડક અધિકારીની બદલી કરવામાં આવી છે. અગાઉ એવી પણ ચર્ચા હતી કે જયરાજસિંહ નિર્લિપ્ત રાયની બદલી રોકવા માટે સક્રિય હતા, જેના પર વિવાદ વધુ ઘેરો બન્યો છે.

જયરાજસિંહ જાડેજાનો પલટવાર
પોતાના પર લાગેલા આક્ષેપો સામે જયરાજસિંહ જાડેજાએ મૌન તોડ્યું છે અને મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે તમામ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે, ચૂંટણીનો સમય નજીક હોય ત્યારે આવા આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા રહેતા હોય છે. વધુમાં તેમણે એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, તેમણે પોતે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે ગોંડલ અને રાજકોટ પંથક માટે એક નિષ્પક્ષ અધિકારીની માંગણી કરી હતી. જયરાજસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ નિર્લિપ્ત રાયની નિમણૂકને હૃદયપૂર્વક આવકારે છે. તેમણે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવા અધિકારીની જરૂૂર છે. અત્યારે રાજકોટ રેન્જ હેઠળ આવતા જિલ્લાઓમાં નિર્લિપ્ત રાયનો ભય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં જોવા મળી રહ્યો છે, જ્યારે સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *