હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત આંદોલન અને તેના નેતૃત્વને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે તેઓ કોઈ રાજકીય સ્વાર્થથી નહીં પરંતુ ખેડૂતોના હિત માટે આંદોલન સાથે જોડાયા હતા. તેમણે જણાવ્યું કે 21 જૂનના રોજ નિલેશ એરવાડીયાના આમંત્રણ પર ડાયરામાં હાજરી આપી હતી અને ત્યારબાદ ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને બીજા દિવસે પણ આંદોલન સ્થળે પહોંચ્યા હતા.
હકાભા ગઢવીએ જણાવ્યું કે તેમના પર કેટલાક લોકોએ ભાજપ સાથે જોડાયેલા હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે, આંદોલનને નુકસાન ન થાય તે માટે તેમણે પોતાને થોડા સમય માટે દૂર રાખ્યા હતા. તેમના કહેવા મુજબ, બાદમાં નિલેશ એરવાડીયાએ તેમને વારંવાર આંદોલન સ્થળે ન આવવા જણાવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હકાભા ગઢવીએ સૌથી ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે સરકાર સાથે બેઠક માટે નિલેશ એરવાડીયાએ ₹25 કરોડની માંગણી કરી હતી અને તેમાં ₹2 કરોડ એડવાન્સ આપવાની પણ વાત કરી હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે તેમને વ્યક્તિગત રીતે ₹1 કરોડ આપવાની ઓફર કરવામાં આવી હતી. આ વાત સાંભળ્યા બાદ આખી રાત ઊંઘ ન આવી હોવાનું તેમણે જણાવ્યું.
હકાભા ગઢવીના જણાવ્યા મુજબ, સમગ્ર ઘટનાના પુરાવા એકત્ર કરવા માટે તેમણે નિલેશ એરવાડીયાને વોટ્સએપ કોલ કર્યો હતો, જેનું રેકોર્ડિંગ તેમના પુત્રએ કર્યું હતું. તેમના દાવા અનુસાર, આ રેકોર્ડિંગમાં સરકાર સાથે મુલાકાત પહેલાં ₹2 કરોડ લેવાની વાતચીત સંભળાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ખેડૂતો અને આંદોલનની સમિતિના અન્ય સભ્યો નિર્દોષ છે અને તેમના આક્ષેપો માત્ર નિલેશ એરવાડીયા સામે છે. હકાભા ગઢવીએ એવો પણ દાવો કર્યો કે આંદોલન બગડી ન જાય તે માટે અત્યાર સુધી તેઓ મૌન રહ્યા હતા.
પરંતુ સરકારે નિર્ણય જાહેર કર્યા બાદ હવે સત્ય લોકો સમક્ષ મૂકવાનો નિર્ણય લીધો છે. પ્રેસ કોન્ફરન્સના અંતે હકાભા ગઢવીએ પોતાના અને પરિવારની સુરક્ષા માટે રાજ્ય સરકાર પાસે સુરક્ષા આપવાની માંગ કરી હતી. સાથે જ ખેડૂતોને અપીલ કરી હતી કે ભવિષ્યમાં કોઈને આગેવાન બનાવતા પહેલાં તેની વિશ્વસનીયતા અને કાર્યપદ્ધતિની સારી રીતે ચકાસણી કરવી જોઈએ.
આંદોલન તોડવા 2 કરોડની ઓફર અને ધમકીઓ મળી
અમદાવાદમાં હકાભા દ્વારા કરવામાં આવેલા ‘ગદ્દાર’ અને ભ્રષ્ટાચારના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા નિલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે આંદોલન તોડવા માટે આવા આક્ષેપો કોઈ પણ કરી શકે છે. તેમને પોતાને પણ આંદોલન સમેટી લેવા માટે 2 કરોડ રૂપિયાની ઓફરો અને અનેક ધાક-ધમકીઓ મળી રહી છે. પરંતુ ગુજરાતના ખેડૂતો હવે જાગી ગયા છે અને કોઈપણ લોભ-લાલચ કે રાજનીતિમાં પડ્યા વગર પોતાના હક અને ન્યાય માટે લડત અવિરત ચાલુ રાખશે.
મેડિકલ ટીમ સરકારની છે, રિપોર્ટ ચેક કરી લો
ઉપવાસ દરમિયાન છૂપી રીતે ખાવા-પીવાના આક્ષેપો અંગે નિલેશભાઈ એરવાડિયાએ જણાવ્યું કે અહીં હાજર મેડિકલ ટીમ કોઈ ખાનગી નથી, પરંતુ સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી સત્તાવાર ટીમ છે. દર 3 થી 4 કલાકે મેડિકલ ટીમ દ્વારા ચેકઅપ કરવામાં આવે છે. જેને પણ શંકા હોય તે અહીથી મેડિકલ રિપોર્ટની ચકાસણી કરી શકે છે.
