રાજકોટમાં અખબાર વિતરકનું હાર્ટએટેકથી મોત: મોટોભાઈ આઘાતમાં ઢળી પડયો

છાપાની ફેરી કરવા નીકળેલા આધેડ વહેલી સવારે બે ભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક…

છાપાની ફેરી કરવા નીકળેલા આધેડ વહેલી સવારે બે ભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગીને ભરખી ગયો છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં વહેલી સવારે છાપાની ફેરી કરવા નીકળેલા અખબાર વિતરકનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. નાના ભાઈના મોતના સમાચારથી મોટાભાઈ આઘાતમાં ઢળી પડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. રાજકોટમાં આવેલ લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતાં વિપુલભાઈ હેમંતભાઈ કાચા નામના 50 વર્ષના આધેડ વહેલી સવારે સાડા ચારેક વાગ્યાના અરસામાં ભીલવાસ ચોકમાં હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં.

આધેડને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. નાના ભાઈના મોતના સમાચાર મળતાં મોટાભાઈ જીતેન્દ્રભાઈ કાચા આઘાતમાં ઢળી પડતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં મૃતક વિપુલભાઈ કાચા ચાર ભાઈ બે બહેનમાં નાના અને અપરિણીત હતાં. વિપુલભાઈ કાચા છાપાની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં અને આજે વહેલી સવારે છાપાની ફેરી કરવા નીકળ્યા હતાં ત્યારે જ આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *