આધેડના મોતથી પરિવારમાં શોક
રાજકોટ શહેરમાં વધુ એક પરિવારનો માળો આર્થિકભીંસને કારણે પિંખાયો છે.જેમાં મનહર પ્લોટમાં રહેતા આધેડે છતના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટનાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. વધુ વિગતો મુજબ,મનહરપ્લોટના રહેતા જીતેન્દ્રભાઈ માણેકલાલ પતરિયા(ઉ.45)નામનો આધેડ આજે વહેલી સવારે પોતાના ઘરે હતો ત્યારે છતના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જીતેન્દ્ર ની સંતાનમાં બે દીકરી છે અને પોતે બે ભાઈ બે બહેનમાં નાનો હતો અને પોતે ન્યૂઝ પેપરના ફેરિયા અને એજન્ટ તરીકે કામ કરતો હતો.સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,જીતેન્દ્રભાઈ દેણામાં આવી ગયા હતા.તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.જ્યારે બીજી ઘટનામાં ગાયકવાડીમાં રહેતા પ્રકાશભાઈ કિશોરભાઈ સોલંકી(ઉ.25)એ પોતાના ઘરે ફીનાઇલ પી લીધું હતું.તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
