અમરેલીના એમએલએ અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસીયા સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી છે. પોલીસ સૌપ્રથમ વાર આરોપી મનીષની ઓફિસ પહોંચી અને તપાસ હાથ ધરી છે.
આ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી મનિષ વઘાસિયાએ બનાવટી લેટરપેડ કુરિયર કર્યા હતા. હાલ પોલીસે વધુ કેટલા બનાવટી લેટર પેડ બનાવ્યા છે તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે તેમના કાર્યાલય સહિત ઘરે પણ તપાસ શરૂૂ કરી છે.
મુખ્ય આરોપી મનીષ વઘાસીયાની પૂછપરછમાં સામે આવ્યુ કે વઘાસીયાને તાલુકા પ્રમુખ બનવામાં કૌશિક વેકરીયા અને તાલુકા પંચાયત પ્રમુખ બંને અવરોધ બનતા હતા. જેથી બોગસ લેટરપેડ વાયરલ કર્યો હતો. હજુ, આ અંગે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસો થવાની શક્યતા છે.
મનિષ વઘાસિયાની ઓફિસ ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્સમાં પૂર્વ સાંસદ નારણ કાછડીયાના કાર્યાલયની બાજુમાં આવેલી છે. ત્યારે, હવે બોગસ લેટરપેડનું કનેક્શન દિગ્ગજ નેતાઓ સુધી પહોંચે તેવી શક્યતા છે. જેને લઇ અમરેલી સહિત સૌરાષ્ટ્ર ભાજપમાં મોટા ભૂકંપની આશંકા છે. મહત્વનું છે, મુખ્ય આરોપી મનીષ વઘાસીયા અમરેલી તાલુકા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ છે અને જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળીયા સહિતના કાર્યકરો ભાજપના જ હોવાને કારણે ખળભળાટ મચ્યો છે. હાલ ભાજપના કાર્યકરોની સંડોવણી ખુલતા ફરી જૂથવાદ સામે આવ્યો છે. જોકે આ મુદ્દે દિગજ્જ નેતાઓએ મૌન ધારણ કર્યું છે.