કોલેજ-યુનિવર્સિટી-કલાસિસ માટે નવી ગાઇડલાઇન જાહેર

100 વિદ્યાર્થીની સંખ્યાએ એક માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત રાખવા પડશે, સંસ્થામાં ‘મેન્ટલ હેલ્થ પોલીસી’ લાગુ કરવી ફરજિયાત ગુજરાતમાં શિક્ષણ જગત માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા…

100 વિદ્યાર્થીની સંખ્યાએ એક માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત રાખવા પડશે, સંસ્થામાં ‘મેન્ટલ હેલ્થ પોલીસી’ લાગુ કરવી ફરજિયાત

ગુજરાતમાં શિક્ષણ જગત માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓના આપઘાતના કેસો સતત વધી રહ્યા છે. આ ગંભીર સ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. સરકારે હવે રાજ્યની તમામ કોલેજો, યુનિવર્સિટીઓ અને ખાનગી કોચિંગ સેન્ટર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે અંતર્ગત દરેક શૈક્ષણિક સંસ્થામાં ’મેન્ટલ હેલ્થ પોલિસી’ લાગુ કરવી હવે ફરજિયાત બની ગઈ છે.

નવી ગાઈડલાઈન મુજબ, હવે દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં દર 100 વિદ્યાર્થીએ ઓછામાં ઓછો 1 લાયકાત ધરાવતો કાઉન્સેલર રાખવો ફરજિયાત રહેશે. જે સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 100 કરતા ઓછી છે, તેમણે બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે રેફરલ વ્યવસ્થા ગોઠવવી પડશે. ખાસ કરીને પરીક્ષા સમયે કે અભ્યાસના ભારણ વખતે વિદ્યાર્થીઓને ગુપ્ત અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચિત કરવું પડશે.
ખાનગી કોચિંગ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે થતી સ્પર્ધા ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. સરકારે આદેશ આપ્યો છે કે હવે કોચિંગ ક્લાસ પરફોર્મન્સ કે માર્ક્સના આધારે વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરી શકશે નહીં. વિદ્યાર્થીઓને જાહેરમાં અપમાનિત કરવા કે તેમના પર અવાસ્તવિક અપેક્ષાઓનું દબાણ લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આત્મહત્યા નિવારણ માટે સંસ્થાઓએ તાત્કાલિક રેફરલ પ્રોટોકોલ તૈયાર કરવાનો રહેશે. કોલેજ કેમ્પસ, ક્લાસરૂૂમ, હોસ્ટેલ અને વેબસાઈટ પર મેન્ટલ હેલ્થ હેલ્પલાઈન નંબરો અને નજીકની હોસ્પિટલની વિગતો મોટા અક્ષરે દર્શાવવી પડશે. આ ઉપરાંત, શિક્ષકો અને સ્ટાફને વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એઈડ અને વોર્નિંગ સાઈન્સ ઓળખવા અંગેની તાલીમ આપવાની રહેશે.

સરકારે SC, ST, OBC, EWS અને LGBTQ+ સમુદાયના વિદ્યાર્થીઓ માટે ભેદભાવ મુક્ત વાતાવરણ ઉભું કરવા પર ભાર મૂક્યો છે. રેગિંગ (Ragging) અને સતામણી સામે કડક પગલાં લેવાશે. હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ચેડાં ન થઈ શકે તેવા પંખા (Anti-suicide fans) અને બાલ્કનીમાં ગ્રીલ લગાવવા જેવા ભૌતિક ફેરફારો કરવાના પણ નિર્દેશો અપાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *