શહેરના નાનામવા રોડ પર બનેલી રૂૂ. 11 લાખની સનસનાટીભરી લૂંટની ઘટના બોગસ હોવાનો ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસમાં ભાંડો ફોડી ત્રણ શખ્સોની ધરપડક કરી છે. શેરબજારમાં મોટી રકમ હારી જતાં અને મામાની સતત ઉઘરાણીથી કંટાળી મામાને રૂૂ.11 લાખનું બુચ મારવા માટે ભાણેજે જ મામુ બનાવી આખું લૂંટનું નાટક રચ્યું હોવાનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાંચે આ કેસના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણની ધરપકડ કરી છે. સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હરદેવસિંહ ઝાલા પાસેથી તેમનો ભાણેજ ધીરેન્દ્રસિંહ અવારનવાર નાની-મોટી રકમ ઉછીની લઈ જતો હતો. હરદેવસિંહે આપેલી રકમની સતત ઉઘરાણી શરૂૂ કરતાં, આખરે ધીરેન્દ્રસિંહે તેમને “હું તમને રૂૂ. 11 લાખ આપી દઉં છું” તેમ કહ્યું હતું.
બંને ઘનશ્યામનગરમાં ભેગા થયા હતા, જ્યાં ધીરેન્દ્રસિંહે એક થેલો બતાવી તેમાં રૂૂ. 11 લાખ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ “આ રકમ આપી દઉં છું” તેમ કહી ધીરેન્દ્રસિંહ તેના મામાના બાઈક પાછળ બેસી ગયો હતો. બંને નાનામવા રોડ પર પહોંચ્યા ત્યારે બાઈક પર આવેલા બે શખ્સો આ થેલો ઝૂંટવીને ભાગી ગયાની પોલીસમાં જાહેરાત કરવામાં આવી હતી. ઘટના બાદ ક્રાઇમ બ્રાંચે નાનામવા રોડના સીસીટીવી ફૂટેજ તપાસતા શંકા ઉપજી હતી. ફૂટેજમાં બાઈક પાછળ થેલો લઈને બેઠેલા ધીરેન્દ્રસિંહે થેલો બચાવવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો અને એક તબક્કે તો કથિત લૂંટારૂૂઓને સામેથી થેલો આપી દીધો હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું.
શંકાના આધારે પોલીસે ધીરેન્દ્રસિંહની કડક પૂછપરછ કરતાં તેણે મામાને ’મામા’ બનાવવા લૂંટનું તરકટ રચ્યાની કબૂલાત કરી હતી. તેણે આ કાવતરામાં ધ્રુવરાજસિંહ અને ભાવેશની સંડોવણી હોવાનું જણાવતાં પોલીસે ધીરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉં.વ. 32, રહે. ઘનશ્યામનગર, કોઠારીયા રોડ, રાજકોટ – મુખ્ય સૂત્રધાર) 2. ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉં.વ. 29, રહે. ઘનશ્યામનગર શેરી નં. 1, કોઠારીયા રોડ, રાજકોટ) 3. ભાવેશ ચંદુભાઈ ખુવા (ઉં.વ. 35, રહે. રણજીતનગર, જામનગર)ની ધરપડક કરી હતી. ક્રાઈમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું કે ધીરેન્દ્રસિંહે થેલામાં કોઈ રોકડ રકમ રાખી જ નહોતી, પરંતુ બેગમાં માત્ર મોબાઈલના કવર, પૂંઠા વગેરે ભરી રાખ્યા હતા. ધ્રુવરાજસિંહ અને ભાવેશ પોતાના મિત્રનું બાઈક લઈને જામનગરથી આવ્યા હતા અને લૂંટનું નાટક કરીને થેલો આંચકી સીધા જામનગર ભાગી ગયા હતા. ધીરેન્દ્રસિંહે આ બંને મળતીયાઓને તરકટ રચવા બદલ રૂૂ. 2.50 લાખ લેખે કુલ રૂૂ. 5 લાખ આપવાનો વાયદો કર્યો હતો. જોકે, તેની પાસે પોતાની પાસે જ રકમ ન હોવાથી તેણે આ બંનેને પણ ખોટો વાયદો આપીને ગુનામાં ફસાવી દીધા હોવાનું પોલીસ તારણ કાઢ્યું છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ભરત બસિયા ની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.આઈ એ.એસ.ચાવડા , એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ ડી.પી.ઝાલા, એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા, વી.ડી.રાવલીયા, એસ.એમ.રાણા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
