વેપારીએ છેતરપિંડીની ફરિયાદ કરતા આરોપી ફરાર થઇ ગયો હતો, ક્રાઇમ બ્રાન્ચે પકડી પ્ર.નગરને સોંપ્યો
સદરમાં જુની ભારમલ રેસ્ટોરન્ટના સંચાલક વ્હોરા વેપારીએ કૌટુંબિક ભત્રીજા એવા મોરબીના શખસ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. રેસ્ટોરન્ટમાં દેખાભાળ રાખનાર આ ભત્રીજાએ તકનો લાભ લઇ અહીંથી રોકડ રકમ અને સામાન સહિત રૂૂ.2.29 મત્તા લઇ નાસી ગયો હતો. આ અંગે ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપી ઝડપી લઇ તેની પાસેથી બાઇક કબજે કર્યું હતું. ક્રિકેટ સટ્ટો રમવાની ટેવ હોય જેથી દેણું થઇ જવાથી આ ચોરી કર્યાનું આરોપીએ રટણ કર્યું હતું.શહેરના રેસકોર્સ રીંગરોડ પર પત્રકાર સોસાયટીમાં રહેતા રાજ કુતબભાઈ લાકડાવાળા (ઉ.વ 26) નામના વ્હોરા વેપારીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબીમાં નાની બજાર વિસ્તારમાં સૈફી મોહલ્લા મુલ્લા શેરીમાં રહેતા મુર્તજા હુસેનભાઇ લોખંડવાલાનું નામ આપ્યું હતું.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા. 20/5થી પાંચેક દિવસ ફરિયાદી કામ સબબ અહીં પોતાની જૂની ભારમલ રેસ્ટોરન્ટ ખાતે ગયા ન હતા. દરમિયાન આરોપી 20/5 થી 25/5 સુધી રેસ્ટોરન્ટના વેપારના હિસાબના રૂૂપિયા આશરે 22,945 તથા વેપારીઓને હિસાબ પેટે ચૂકવવા આપેલ 1.30 લાખ, મોબાઈલ ફોન તથા રેસ્ટોરન્ટના કામ માટે રાખેલ બાઈક પણ જોવા મળ્યું ન હતું. રેસ્ટોરન્ટના સ્ટોર રૂૂમમાં રાખેલ ડ્રાયફ્રુટ અને કરિયાણાનો સામાન કે જેની કિંમત 50,000 ની ચોરી કરી ગયો હતો. રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે અહીં નવસાદ, અનિલ, રાજન, રાજેશ અને લખન પાસેથી પણ ઉછીના રૂૂપિયા લઈને ભાગી ગયો છે.
જેથી ફરિયાદીએ પોતાના ભત્રીજા મૂર્તજા લોખંડવાલાએ રેસ્ટોરન્ટમાંથી રોકડ રકમ, સામાન બાઇક સહિત રૂૂ. 2,39, 945 નો મુદ્દામાલ વિશ્વાસઘાત કરી લઈ ગયા અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીના આ બનાવવાને લઇ ક્રાઈમ બ્રાન્ચ પી.આઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની રાહબરી હેઠળ પી.એસ.આઇ એ.એન. પરમાર તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, અર્જુનભાઈ ડવ અને કોન્સ્ટેબલ પ્રશાંતભાઈ ચુડાસમાને મળેલી બાતમીના આધારે આ ચોરીમાં ફરાર આરોપી મૂર્તુજા હુસેનભાઇ લોખંડવાલા (ઉ.વ 26 રહે. મૂળ મોરબી, નાની બજાર, હાલ સદર બજાર,રાજકોટ) ને ઝડપી લઇ તેની પાસેથી બાઈક કબજે કર્યું હતું. આરોપીને ક્રિકેટ સટ્ટો રમવાની ટેવ હોય જેથી દેણુ થઇ જતા તેમણે ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ.
