ફુગ્ગા વેચવાવાળા શખ્સ સાથે ઝઘડો થતાં લોથ ટાળી દીધી
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા કે.કે.વી. હોલ પાસે નેપાળી યુવાને અજાણ્યા શખ્સે પેટમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખખતા ભારે ચકચાર જાગી છે. ફુગ્ગા વેચવાવાળા શખ્સ સાથે ઝઘડો થતાં તેણે છરી કાઢી ખૂની હુમલો કર્યો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસે અજાણ્યા ફુગ્ગાવાળા શખ્સ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, મુળ નેપાળનો વતની અને હાલ નાનામવા રોડ પર પેટ્રોલ પંપ પાછળ ગાંધી સ્કૂલ પાસે ભાઈ સાથે રહેતો ગોપાલ નવરાજભાઈ સાઉદ (ઉ.24) નામનો યુવાન ગઈકાલે રાત્રે 10 વાગ્યાના અરસામાં 150 ફુટ રીંગ રોડ પર કે.કે.વી. હોલ પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સે પેટમાં છરીના ઘા ઝીંકી દેતાં તેને ગંભીર હાલતમાં 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં ઈજાગ્રસ્ત ગોપાલનો મોટો ભાઈ ચેતમાન હોસ્પિટલે દોડી ગયો હતો અને તેને ગોપાલને બનાવ બાબતે પુછતા તેણે જણાવેલું કે તે કે.કે.વી.હોલ પાસે હતો ત્યારે ફુગ્ગા વેચવાવાળા અજાણ્યા શખ્સ સાથે ઝઘડો થતાં ગોપાલે તેને ધક્કો મારતાં ફુગ્ગા વેચવાવાળાએ તેની પાસે રહેલી છરી કાઢી પેટના ભાગે પડખામાં છરીના બે ઘા ઝીંકી દીધા હતાં. હાલમાં ગોપાલની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે ગાંધીગ્રામ પોલીસે ગોપાલના મોટાભાઈ ચેતમાન નવરાજભાઈ સાઉદની ફરિયાદ પરથી અજાણ્યા ફુગ્ગા વેચવાવાળા શખ્સ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી પીઆઈ એસ.આર.મેઘાણીએ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ગોપાલ બે ભાઈમાં નાનો અને અપરિણીત છે. અગાઉ તે હોટલમાં નોકરી કરતો હતો. ત્રણ મહિના પહેલા ગોપાલ અને તેના પિતા નેપાળ ચાલ્યા ગયા હતાં. બાદમાં 15 દિવસ પહેલા ગોપાલ ફરી રાજકોટ આવ્યો હતો અને કામની શોધમાં હોવાનું જાણવા મળ્યું છે.
