શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ વહેલી સવારે અજાણ્યા બે રિક્ષા વાળાએ નેપાળી યુવાનની આંખમાં ભુકી છાંટી છરી વડે હુમલો કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અજાણ્યા બન્નેં શખ્સોએ બેભાન કરી તેનાં ખીસ્સામાંથી રૂા.60 હજારની રોકડ લુંટી લીધાનો આક્ષેપ કરવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, યાજ્ઞીક રોડ પર ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં.20માં આનંદ સ્નેકસમાં રહેતો અને ત્યાં જ કામ કરતો પ્રકાશ કલબહાદુર નેપાળી (ઉ.40) નામનો યુવાન આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં અમદાવાદથી બસમાં રાજકોટ આવ્યો હતો.
અને એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ હતો ત્યારે અજાણ્યા બે રીક્ષા વાળાએ આંખમાં કોઈ ભુકી છાંટી બેભાન કરી બાદમાં છરી વડે હુમલો કરતાં તેને માથાના ભાગે તથા શરીરે ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત પ્રકાશ આનંદ સ્નેકસમાં પંજાબી-ચાઈનીઝ બનાવવાનું કામ કરે છે. તેને સંતાનમાં બે પત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલના બીછાનેથી પ્રકાશના જણાવ્યા મુજબ, અજાણ્યા બન્ને શખ્સોએ તેની ઉપર હુમલો કરી ખીસ્સામાં રહેલી રૂા.60 હજારની રોકડ લુંટી ગયાનું આક્ષેપ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
