શાપરમાં કૂતરૂ ઘરમાં ઘુસી આવી વસ્તુ ખાઈ ગયાનો ખાર રાખી શ્રમિક યુવાન ઉપર પાડોશી શખ્સોએ હુમલો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ બિહારના વતની અને શાપરમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહી સેન્ટીંગ કામ કરતાં અનિલ અમલાભાઈ પાસવાન (ઉ.25) બપોરના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે પાડોશી શખ્સોએ માર માર્યો હતો.
યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અનિલ પાસવાનના ઉપલા માળે રહેતાં પાડોશીનો દરવાજો ખુલ્લો રાખતાં કૂતરૂ ઘરમાં ઘુસી ગયું હતું અને વસ્તુ ખાઈ ગયું હતું. જેનો ખાર રાખી પાડોશીએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં કોટડાસાંગાણીમાં રહેતી કાજલબેન રણજીતભાઈ પરમાર નામની 28 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે તેના પતિ રણજીત પરમારે નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
