શહેરમાં ગોંડલ ચોકડી પાસે નસેડી શખ્સોએ દારૂના રૂપિયા માંગી આધેડને માર માર્યો હતો. અને આદેડ પાસેથી રૂપિયા 300ની માંગણી કર્યાના આક્ષેપ સાથે આધેડને સારવારમાં ખસેડાયા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ ચોકડી પાસે પુલ નીચે રહેતા જગદીશ જીવાભાઈ સલાહ નામના 55 વર્ષના આધેડ સાથે બપોરના બારેક વાગ્યાના અરસામાં તેની સાથે ભંગાર વિણતા અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં હુમલાખોર શખ્સોએ દારૂ પીવા પૈસા માંગતા જગદીશભાઈએ ના પાડી હતી. જેથી અજાણ્યા શખ્સોએ માર મારી રૂપિયા 300ની લુંટ ચલાવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત અન્ય બનાવમાં શહેરની ભાગોળે આવેલા આણંદપર બાધી ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલા કાળુ મોહનભાઈ મોરીયા નામના 17 વર્ષના સગીરે કોઈ અગમ્ય કારણસર રાત્રીના સમયે ઝેરી દવા પી લીધી હતી.
જ્યારે ભોમેશ્ર્વર મંદિર પાસે રહેતા અભિષેક મગનભાઈ વિશ્ર્વકર્મા નામના 24 વર્ષના યુવાને કોઈ અકળ કારણસર ફિનાઈલ પી લીધું હતું. જવલનશીલ પ્રવાહી પી લેનાર સગીર અને યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.