રાષ્ટ્રીય ખેડૂત દિવસ-પડકારોમાંથી પ્રગતિ કરતો યોદ્ધા

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. અહીંની ધરતી, પાણી, હવામાન તેમજ અનેક પરંપરાઓ ખેતી સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આજે સમય જરૂૂર બદલાયો છે, ટેક્નોલોજી બદલાઈ…

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. અહીંની ધરતી, પાણી, હવામાન તેમજ અનેક પરંપરાઓ ખેતી સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આજે સમય જરૂૂર બદલાયો છે, ટેક્નોલોજી બદલાઈ છે, જીવનશૈલી પણ બદલાઈ છે, પણ ખેડૂતની મહેનતનું મૂલ્ય આજે પણ સરખુ જ છે. દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ ઉજવાતો “રાષ્ટ્રીય ખેડૂત દિવસ” આપણને સૌને એક અતિ મહત્વનો સંદેશ આપે છે કે, “જો ખેડૂતને મજબૂત બનાવશો તો દેશ પોતે મજબૂત બની જશે.”

આપણી થાળીમાં આવતા દરેક દાણા તેમજ જીવનને ટકાવી રાખતા અન્ન પાછળ ખેડૂતનું અનમોલ શ્રમ છુપાયેલું છે. ખેડૂતનું જીવન ધારીએ એટલું સહેલું નથી. તેમના માટે દરેક સીઝન એક પરીક્ષા સમાન જ છે. વાવણી, નિંદણ, સિંચાઈ, લણણી, મજૂરોના ખર્ચ જેવા અનેક તબક્કા મહેનતભર્યા છે. ક્યારેક વધુ વરસાદ તો ક્યારેક ઓછો, ક્યારેક તૈયાર પાકને રોગ લાગી જાય, તો ક્યારેક બજારમાં પાકનો ભાવ જ ગગડી જાય. આવા અનેક પડકારો ખેડૂતો હિંમત હાર્યા વગર ઝીલતા હોય અને ફરી નવી આશા સાથે બીજ વાવતા હોય છે. એટલે જ કહેવાય છે કે,
“જેનું હૈયું જમીન
જેટલું વિશાળ હોય તે
જ ખેડૂત બની શકે.”

ઘણી વાર આકાશમાં વાદળો દેખાય જ નહીં, કુદરત જ્યાં રૂૂઠીને મોઢું ફેરવી લે, અરે આટલું જ નહીં ખાતા પીતા લોકો જ બજારમાં પાકના ભાવ તોડે તો પણ ખેડૂતનું મનોબળ તૂટતું નથી. દરેક સીઝનમાં નવી લડાઈ લડવા એ હંમેશા તૈયાર જ રહે છે. ખેડૂતો જેટલી ઉદારતા બીજા એક પણ માણસમાં ના હોય. આપણે સૌ આ બધું જાણીએ જ છીએ, છતાં ઘણાં લોકો એવું કહેતાં હોય છે કે સરકાર એમને ઘણી સહાય કરે છે. ટેક્સ ફ્રી રાખે છે. એમને કંઈ વાતની તકલીફ? વાત સાંભળવામાં સાચી છે, હકીકતમાં તો કોઈના આપવાથી ક્યારેય પૈસાવાળું ના થવાય. ખેડૂતોને તો કુદરત પર ભરોસો રાખીને બીજ રોપવાના, જો સમયસર વરસાદ આવે તો પાછળ બનેલા પાકને માવઠું બગાડે. જો ત્યાં કોઈ મુશ્કેલીઓ ના આવે અને મબલખ પાક થાય તો મફતના ભાવે માલને વેચવા જેવી નોબત આવે છે. આવી વિકટ પરિસ્થિતિમાં મુઠ્ઠીભર સહાય કોઈ કામ ના આવે.

આજના બદલતા યુગમાં યુવાનો ખેતી છોડીને શહેર તરફ ધંધાર્થે દોટ મૂકી રહ્યા છે. કોઈ યુવાન શોખથી તો કોઈ મજબૂરીથી પોતાનું ગામડું છોડે છે. યુવાવર્ગ એવું વિચારે છે કે ખેતીમાં પૈસા નથી, પણ જો જ્ઞાન, યોગ્ય મહેનત, જૂની પદ્ધતિ છોડીને નવી ટેક્નોલોજી અપનાવે અને બજારને જો સરખી રીતે જાણી લે તો તે પણ તગડી આવક કમાઈ શકે છે. ઘણાં લોકો ઓર્ગેનિક ફાર્મિંગ, નર્સરી, ફળબાગ, ફૂલોના બગીચા, મિલેટ્સ, અને પ્રોસેસિંગ યુનિટ જેવી અનેક આધુનિક ખેતી કરીને અઢળક આવક મેળવે છે. હવે બદલાતા સમય અને ટેક્નોલોજીના સહારે જો બધા ખેડૂતો ખેતી કરતાં થશે તો જ તેમની આર્થિક સ્થિતિ સુધરી શકે.

આર્થિક ઉત્પાદન વધારવા સરકારે સહાયની સાથે સાથે ગામડે ગામડે ઉત્પાદન વધારતા સાધનો બાબતે, ઓછા પાણીમાં થતાં ઉત્પાદન વિશે, થોડી જમીનમાં કંઈ રીતે ખેતી કરવી જેવા સંમેલનો યોજવા જોઈએ. દર વર્ષે જો યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો ખેડૂતો પણ માલામાલ થઈ શકે છે. આજે સાક્ષર લોકો ખેતીમાં સુધારો જરૂૂર લાવી રહ્યા છે, પણ કંઈ કેટલા ગામડાઓ આવા લાભથી વંચિત પોતાની કોઠાસૂઝના અભાવે રહેતાં હોય છે. જો સમયસર દરેક ખેડૂત સુધી કૃષિ જ્ઞાન, ટેક્નોલોજીનું જ્ઞાન અને ખાસ કરીને બજારનું જ્ઞાન પૂરૂ પાડે તો ઓછા ખર્ચે વધું ઉત્પાદન જરૂૂર મેળવી શકે.

ભારતના આર્થિક બંધારણમાં ખેડૂત એક મુખ્ય આધારશિલા છે. દેશનાં દરેક નાગરિક સુધી ખોરાક પહોંચે તે તેની મહેનતનો પરિચય છે. તો આજે સૌ એક વચન લઈએ, “ખેડૂતનું સન્માન કરીશું, તેમના હકકોની રક્ષા કરીશું અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા જરૂૂરી યોગદાન આપીશું.” “કિસાન છે તો રાષ્ટ્ર છે અને કિસાનનું સ્મિત સૌથી મોટું રાષ્ટ્રનિર્માણ છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *