કપિરાજ દ્વારા લોકો પર હુમલો કરાવ્યો, અનેકને બચકા ભર્યા, પોલીસે પહોંચી સાધુની અટકાયત કરી
જૂનાગઢના ભવનાથમાં જ્યાં એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો પ્રવાહ વહી રહ્યો છે, ત્યાં બીજી તરફ દત્ત ચોક વિસ્તારમાં એક સાધુના હિંસક વર્તનને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 12 ફેબ્રુઆરીની રાતે એક નાગા સાધુએ અચાનક ઉશ્કેરાઈ જઈને હાથમાં ખુલ્લી તલવાર ધારણ કરી નિર્દોષ લોકો અને શ્રદ્ધાળુઓ પાછળ દોડી તેમને ડરાવ્યા હતા. સાધુના આ રૌદ્ર અને અસંયમિત રૂૂપને જોઈને પવિત્ર મેળામાં દર્શનાર્થે આવેલા યાત્રિકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ દોડતા નજરે પડ્યાં હતા.
આ હિંસક બનેલા સાધુએ માત્ર તલવારથી જ ડર નથી ફેલાવ્યો, પરંતુ રસ્તાની બાજુમાં સૂતેલા નિરાધાર અને નિર્દોષ લોકોને પણ બેફામ માર માર્યો હતો. આટલું ઓછું હોય તેમ, સાધુએ પોતાની સાથે રહેલા કપિરાજ (વાંદરા) દ્વારા પણ લોકો પર હુમલો કરાવ્યો હતો. આ કપિરાજે અનેક શ્રદ્ધાળુઓને બચકા ભરીને અને પંજા મારીને ઈજા પહોંચાડી હતી. દત્ત ચોક જેવા વ્યસ્ત વિસ્તારને સાધુએ જાણે બાનમાં લીધો હોય તેવી સ્થિતિ સર્જાતા મેળાના શાંત અને ધાર્મિક વાતાવરણમાં ડર અને દહેશતનો માહોલ વ્યાપી ગયો હતો.
સ્થાનિક લોકો અને દૂર-દૂરથી આવેલા યાત્રિકોમાં આ પ્રકારના અશોભનીય વર્તનથી ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ ઉશ્કેરાયેલા સાધુને કાબૂમાં લઈ તેની અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
