મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મગફળીના ગોડાઉનમાં આગ ભભૂકી હતી જેને 24 કલાકની જહેમત બાદ ફાયરની 10 ટીમોએ કાબુ મેળવી લીધાની જાહેરાત કરવામાં આવી હતી અને સાંજ સુધી કૂલિંગ કામગીરી ચાલી હતી દરમિયાન મોડી સાંજે ફરી આગની જ્વાળાઓ જોવા મળી હતી અને આગ ફરી બેકાબુ બની જતા ફાયર ટીમો આગ પર કાબુ મેળવવા પ્રયત્નશીલ છે.
મોરબીના રફાળેશ્વર ગામે નાફેડ દ્વારા ખરીદી કરેલ અંદાજે રૂા.40 કરોડની કિંમતની 1,59,000 મગફળીની બોરીઓ વેરહાઉસ કોર્પોરેશનના ભાડાના ગોડાઉનમાં રાખવામાં આવી હતી જ્યાં શનિવારે બપોરે આગ લાગતા મોરબી, રાજકોટ અને જામનગર સહીત 10 ફાયરની ટીમોએ 24 કલાક સુધી 45 લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો અને કૂલિંગ કામગીરી મોડી સાંજ સુધી કરવામાં આવી હતી જોકે રવિવારે સાંજ આગની જ્વાળાઓ ઉઠી હતી આગ ફરી બેકાબુ બની જતા ફાયર ટીમોએ કામગીરી શરુ કરી હતી ફેક્ટરી શેડ તોડી મગફળીમાં આગ બુઝાવવાની કામગીરી ટીમો કરી રહી છે.
મગફળી ગોડાઉનમાં આગ લાગવા મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગોડાઉન મેનેજર એચ જી રાઠોડે નોંધ કરાવી હતી ગોડાઉનમાં 1.59 લાખ ગુણીઓ રાખવામાં આવી હતી અને મગફળીની કીમત 44 કરોડથી વધુ થતી હોય જે મગફળીના જથ્થામાં આગ લાગી હોવાની પોલીસ મથકમાં નોંધ કરાવી હતી.
આ ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી, નિર્ણયશક્તિનો અભાવ અને અનેક રહસ્યમય બાબતો સામે આવતા સ્થાનિક લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો સમયસર યોગ્ય સાધનો અને ત્વરિત નિર્ણય લેનારા અધિકારીઓ હાજર હોત, તો કરોડો રૂૂપિયાનો મગફળીનો જથ્થો આસાનીથી બચાવી શકાયો હોત તેવી વિગતો ખુલી છે.
આ અગ્નિકાંડમાં સૌથી મોટો સવાલ ગોડાઉનની ભૌગોલિક સ્થિતિને લઈને ઊભો થયો છે. આ ગોડાઉનમાં કુલ 7 દરવાજા અને બારીઓ એવી રીતે સંપૂર્ણપણે બંધ અને સીલ હતા કે અંદર હવા પણ ન જઈ શકે. આ ઉપરાંત, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ આખી જગ્યા પર લાઈટનું કોઈ કનેક્શન પણ ન હતું. વાયરીંગ કે વીજળી જ ન હોવા છતાં આ બંધ ગોડાઉનની અંદર આટલી ભયાનક આગ કઈ રીતે ફાટી નીકળી, તે અત્યારે ભારે રહસ્ય સર્જી રહ્યું છે અને આ બાબત સીધી શંકાના દાયરામાં આવે છે.
આ ગોડાઉનમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી અંદાજે 1.59 લાખ બોરી મગફળી રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બળીને ખાખ થયેલા આ જથ્થાની કિંમત આશરે 40 કરોડ રૂૂપિયાથી વધુ થાય છે. જો શરૂૂઆતમાં જ લોડર અને જેસીબીની વ્યવસ્થા થઈ ગઈ હોત, તો સળગતો જથ્થો અને સુરક્ષિત જથ્થો અલગ કરી શકાયો હોત. પરંતુ તંત્રના અણઘડ આયોજનના કારણે લોડર રવિવારે સવારે ઘટનાસ્થળે પહોંચ્યું હતું. સવારથી જથ્થો બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે ખરી, પરંતુ બહાર નીકળતી મોટાભાગની મગફળી પલળેલી અને સળગી ગયેલી કોલસા જેવી હાલતમાં જોવા મળી રહી છે.
