ગઢડા(સ્વામીના) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયાના થોડા દિવસોમાં જ ચૂંટણીના વેરઝેર અને હારજીતના ગંભીર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગઢડા તાલુકા પંચાયતની મોટા સખપર ગામની બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોને પરાજિત કરી પ્રથમવાર આમ આદમી પાર્ટીના પ્રવીણભાઈ મકવાણાએ જીત મેળવી હતી. ત્યારે કોઈ કારણોસર પ્રવીણભાઈ મકવાણા ઉપર હિચકારો હુમલો કરી હાથ પગ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવારઅર્થે બોટાદ ખસેડાયા છે.
આ બનાવ અંગે પ્રાથમિક જાણવા મળતી માહિતી અનુસાર પ્રવીણભાઈ મકવાણા બપોરના 12-00 વાગ્યા આજુબાજુ બાઇક લઈને ગઢડાથી મોટા સખપર જઈ રહેલ તે દરમિયાન હોળાયા ગામ નજીક ફોર વ્હીલ લઈને આવેલા કેટલાક લોકોએ આંતરીને હિચકારો હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવના પગલે હુમલાખોરો અને હુમલાનું કારણ સહિતની બાબતે ભારે ચકચાર વચ્ચે ઘેરા રાજકીય પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે,હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત પ્રવીણભાઈ મકવાણાનું નિવેદન લઈને પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વીડિયોના માધ્યમથી સોશિયલ મીડિયા મારફતે સમગ્ર ઘટના બાબતે ચિંતા દર્શાવી લોકશાહીમાં રાજકારણને પોતાની પેઢી માનતા લોકો હાર નહીં પચાવી શકતા ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા હોવાનું જણાવ્યું હતું.
