જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખાની આજે મોટી ટુકડી દરેડ જીઆઇડીસી ફેસ -2 વિસ્તારમાં ત્રાટકી હતી, અને 11 જેટલા ઉદ્યોગકારો ને ત્યાં વસુલાત માટે ની કામગીરી કરવામાં આવી હતી, જ્યાં પાંચ મિલકત ધારકો દ્વારા 1 કરોડ 35 લાખની રકમ જમા કરાવાઈ હતી, જ્યારે પાંચ મિલકતો સીલ કરવામાં આવી છે. એક મિલકત ધારક સામે ફરજ મા રુંકાવટની પોલીસ ફરિયાદ કરાઈ છે.
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા આજે દરેક જી.આઈ.ડી.સી. ફેસ ટુ માં સૌપ્રથમ બાકી વેરા ની રિકવરી માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને પ્રથમ દિવસે 11 મિલકત ધારકોને ત્યાં વસૂલાત અંગે કામગીરીનો પ્રારંભ થયો હતો. જેમાં સૌ પ્રથમ પાંચ મિલકત ધારકોએ તુરતજ 1 કરોડ 35 લાખની બાકી રોકાતી વેરાની રકમ મહાનગરપાલિકાની ટીમ પાસે ભરપાઈ કરી દેવામાં આવી હતી.
તદુપરાંત અન્ય પાંચ મિલકત ધારકો કે જેઓ દ્વારા સ્થળ પર બાકી રોકાતી ટેક્સની રકમ અપાઈ ન હોવાથી તેઓની મિલકતો એટલે કે કારખાના પર મહાનગરપાલિકાના સીલ મારી દેવામાં આવ્યા હતા. આ વેળાએ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.
ઉદ્યોગ નગર વિસ્તારના એક કારખાનેદાર મિતેશ ત્રિભુવનભાઈ ભાલોડીયા કે જેને ત્યાં વસૂલાતની કામગીરી દરમિયાન તેમણે મહાનગરપાલિકાની ટીમ સાથે અશોભનીય વર્તન કર્યું હતું, અને રિકવરીની કામગીરી માં રુકાવટ ઉભી કરી હતી.
જામનગર મહાનગરપાલિકાના ટેક્સ ઓફિસર જીગ્નેશ નિર્મળ દ્વારા જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ઉપરોક્ત કારખાનેદાર સામે ફરજમાં રૂૂકાવટ સંબંધી પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાને લઈને ઉદ્યોગ નગર વિસ્તારમાં ભારે સોંપો પડી ગયો છે.
