રાજકોટ જીલ્લામાં પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ વચ્ચે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનની ટીમે લક્ઝુરિયસ મર્સિડીઝ બેન્જ કારમાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલા રાજકોટના એક વેપારીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી મોંઘીદાટ કાર અને દારૂના ચપલા સહિત કુલ રૂ. 7.04 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી સત્તાવાર વિગતો અનુસાર, શાપર-વેરાવળ પોલીસ મથકના પી.આઈ આર.બી.રાણા સહિતનો સ્ટાફ ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ કાંગસીયાળી ગામના કોરાટ ચોક ખાતે સઘન વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન ગોંડલ તરફથી એક શંકાસ્પદ કાળા રંગની મર્સિડીઝ બેન્જ કાર નંબર ડી.એલ.-01-સી.એસ-2034 આવતા પોલીસે તેને અટકાવી હતી.
પોલીસ ટીમે કારની તલાશી લેતા કારની ડિક્કીમાં છુપાવેલા થેલામાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. તપાસ 180 એમ.એલ.ના 30 પ્લાસ્ટિકના ચપલા કિંમત રૂ. 4,500 મળી આવ્યા હતા. પોલીસે કારચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાજકોટ ના બ્લોક નં. 1104, કોર્ટયાર્ડ બિલ્ડિંગ, અંબિકા રોડઉપર રહેતો વેપારી , રીંકેશભાઈ મનસુખભાઇ બોડા હોવાનું જણાવ્યું હતું. દારૂના જથ્થા સાથે તેની ધરપકડ કરી હતી.
શાપર-વેરાવળ પોલીસે રૂ. 7,00,000/- ની કિંમતની મર્સિડીઝ બેન્જ કાર અને રૂ. 4,500 નો વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂ. 7,04,500 નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કેસની આગળની તપાસ એ.એસ.આઈ. ડી.આર. સરવૈયા ચલાવી રહ્યા છે. હાઈ-પ્રોફાઈલ વાહનમાં દારૂની હેરાફેરી પાછળ કયું મોટું રેકેટ કામ કરી રહ્યું છે અને આ જથ્થો કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
