જામનગર મહાનગરપાલિકામાં શહેરના કચરાના નિકાલ જેવી પાયાની અને અત્યંત આવશ્યક સુવિધાના કોન્ટ્રાક્ટને લઈને ભૂતકાળમા ગંભીર બેદરકારીઓ, મસમોટા ભ્રષ્ટાચાર અને કૌભાંડો આચરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો શહેરના રાજકીય વર્તુળોમાં ઉઠી રહ્યા છે. ખાસ કરીને શહેરના કચરા વ્યવસ્થાપન પાછળ શહેરના નાગરિકોની પરસેવાની કમાણીના અધધ.. રૂૂ. 900 કરોડનું આંધણ દેવાની કોર્પોરેશનના મહારથી પદાધિકારીઓ અને અધિકારીઓ, જેમાં કમિશનરનો પણ સમાવેશ થાય છે, તેમની તૈયારીઓ સામે ભ્રષ્ટાચારના ડેરા તંબુ તાણવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે વિરોધનો સૂર ઉઠ્યો છે.
કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો, આગેવાનો દ્વારા આ મામલે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમા સ્ટેન્ડિંગ કમીટી હોલ ના દરવાજે કમિશ્નર દિનેશ મોદીને ઘેરી લઈને દરખાસ્ત રોકવા અને કચરાના કોન્ટ્રાકટને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અને કરાયેલા આક્ષેપો મુજબ, જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ગઈકાલે તા. 01-05-2025 ના એજન્ડામાં આઈટમ નંબર 12 તરીકે કમિશનર મારફત એક દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત શિફ્ટ આધારિત ગાર્બેજ કલેક્શનનું કામ, રિફ્યુજ ટ્રાન્સફર સ્ટેશનનું કેપિટલ કોસ્ટ તથા ઓપરેશન અને મેઈન્ટેનન્સનું કામ તેમજ એમ.આર.એફના માત્ર ઓપરેશનનું કામ (ઝોન-1, જેમાં વોર્ડ નં. 1 થી 8 નો સમાવેશ થાય છે, તથા ઝોન-2, જેમાં વોર્ડ નં. 9 થી 16 નો સમાવેશ થાય છે) અંગેની છે..
આ દરખાસ્તને તાત્કાલિક નામંજૂર કરવાની પ્રબળ માંગણી ઉઠી છે.આ માંગણી પાછળનું મુખ્ય કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે હાલમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરનો કચરો ઉપાડવાનો વાર્ષિક ખર્ચ આશરે રૂૂ. 30 થી 32 કરોડ થાય છે. આ ખર્ચ કચરાના વજન આધારે કરવામાં આવતી પ્રક્રિયા મુજબ થાય છે. જોકે, આ તમામ પ્રક્રિયાને બાજુ પર મૂકીને એક નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જે આશરે રૂૂ. 900 કરોડના ખર્ચે દસ વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ આપવા અંગેનું છે.
આ રૂૂ. 900 કરોડનો દસ વર્ષનો કોન્ટ્રાક્ટ જો આપવામાં આવે તો આવનારા દિવસોમાં મહાનગર પાલિકાના કર્મચારીઓના પગારના પણ ફાફા પડી શકે તેવી ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે કમિશનરની ભૂમિકા પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. આક્ષેપ મુજબ, કમિશનર દ્વારા આ કચરા અંગેનું રૂૂ. 473 કરોડનું દસ વર્ષ માટેનું ટેન્ડર તા. 24-12-2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.
જોકે, આશ્ચર્યજનક રીતે તા. 27-12-2024 ના રોજ આ ટેન્ડર તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવ્યું હતું. કયા કારણોસર આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને કયા કારણોસર તેને તાત્કાલિક રદ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ સીધું જ રૂૂ. 900 કરોડનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, તે તમામ બાબતો અત્યંત શંકાસ્પદ છે અને તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેવી માંગણી ઉઠી છે.
આ મસમોટા કૌભાંડમાં કોન્ટ્રાક્ટરથી માંડીને પદાધિકારીઓ સુધી જે પણ સંડોવાયેલા હોય, તેમની સામે વિજીલન્સ તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે આ મામલો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના નાગરિકોના હિતમાં આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થવી અનિવાર્ય છે.
