શહેરી ગૃહનિર્માણ વિભાગે ઓર્ડર કરતા સુમરા કચેરીએ હાજર થઈ ચાર્જ સંભાળી વતન જવા નીકળ્યા
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ તત્કાલીન ટાઉન પ્લાનરની ધરપકડ કરવામાં આવેલ અને તેમની ખાલી થયેલ જગ્યા પર સરકાર દ્વારા ઈન્ચાર્જ તરીકે એસ.એમ. પંડ્યાની નિમણુંક કરવામાં આવેલ પરંતુ ટાઉન પ્લાનીંગ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ વિભાગમાં બદલીઓ થઈ જતાં તેમજ દુર્ઘટનામાંથી ઘણું સીખેલા પંડ્યાએ કામગીરી ધીમીગતિએ શરૂ કરતા તેનો બિલ્ડર એસોસીએશન દ્વારા વિરોધ થયો હતો અને નવા પ્લાન મંજુર ન થતા હોવાની ફરિયાદો ઉઠતા અંતે સરકારે ગઈકાલે પંડયા પાસેથી ટાઉન પ્લાનરનો ચાર્જ છીનવી ઈન્ચાર્જ તરીકે કિરણ સુમરાની નિમણુંક જાહેર કરતા કિરણ સુમરાએ પોતાની ચેમ્બરમાં પહોંચી ચાર્જ સંભાળ્યો હતો અને અંગત કામ માટે વતન જવા નિકળી ગયા હતાં. તેવુ જાણવા મળેલ છે.
ટાઉન પ્લાનીંગ વિભાગમાં છેલ્લા આઠ માસથી કામગીરી ખાડે ગઈ હોવાની ચર્ચાઓ જાગી હતી તેમજ અનેક ફરિયાદો પણ ઉઠેલ ટીપીઓ એમ.ડી. સાગઠિયાને સસ્પેન્ડ કર્યા બાદ ઘણા સમય સુધી ટાઉન પ્લાનીંગ ઓફિસરની ખુરશીખાલી રહેલ અને નવા બાંધકામોના પ્લાન અટકી ગયા હતાં. જેના લીધે સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે ઈન્ચાર્જ તરીકે એસ.એમ. પંડ્યાની નિમણુંક કરેલ છતાં કામગીરીમાં કોઈ જાતનો ફેર ન પડતા અને દિવસે દિવસે નવા પ્લાનની ફાઈલોનો ભરાવો થવા લાગતા આ મુદ્દે બિલ્ડર એસોસીએશને સરકાર સુધી રજૂઆત કરેલ જેના લીધે શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા ગઈકાલે એસ.એમ. પંડ્યા પાસેથી ચાર્જ લઈ તેમના સ્થાને રૂડામાં ફરજ બજાવતા કિરણ સુમરાની ઈન્ચાર્જ તરીકે નિમણુંક કરી છે. છતાં કાયમી ટાઉન પ્લાનર તરીકે હજુ પણ કોઈ અધિકારીની નિમણુંક ન થતાં બિલ્ડરલોબી નારાજ હોવાનું જાણવા મળેલ છે.
રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ પછી ટાઉન પ્લાનીંગ ઓફીસર તરીકે રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના ઓફિસર એસ.એમ.પંડયાને ટાઉન પ્લાનિંગ ઓફિસરનો ચાર્જ સોંપવામા આવ્યો હતો. જોકે આજે તાત્કાલિક પંડ્યા પાસેથી ચાર્જ છીનવાયો છે. અને પ્રવર નગર નિયોજક કિરણ સુમરાને તેમની હાલની જવાબદારીઓની સાથે રાજકોટ મનપાનાં ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકેનો વધારાનો ચાર્જ રાજય સરકાર દ્વારા સોંપવામાં આવ્યો છે.
ગાંધીનગરનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગઈકાલે આ અંગેનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સુમરાએ ચાર્જ સંભાળ્યો હતો.