રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે મહિલા કર્મચારીઓને તેમની લેણી નીકળતી વાહન અને મોબાઈલ એલાઉન્સની રકમ ચૂકવી દેવા લેબર કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
આ અંગેની હકીકત એવા પ્રકારની છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા કર્મચારી અને મહિલા સંગઠનમાં અગ્રણી સોનલબેન તથા મનીષાબેન ગોહિલે મોબાઇલ એલાઉન્સ તથા વાહન એલાઉન્સની બાકી રકમ વસૂલ મેળવવા માટે લેબર કોર્ટ રાજકોટ ખાતે અરજી કરી હતી.
જેમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ અને કમિશનરના આદેશ અનુસાર અરજદારને મોબાઇલ એલાઉન્સ તથા વાહન એલાઉન્સ મળવાપાત્ર હોવા છતાં સંબંધિત સમયગાળાની રકમ ચૂકવવામાં આવી નહોતી. આ અંગે જરૂૂરી દસ્તાવેજી પુરાવાઓ અને સાક્ષીઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
આ કેસ દરમિયાન બંને પક્ષોની દલીલો, મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ કર્મચારીઓને મળવાપાત્ર કાયદેસર ભથ્થાંની વસૂલાત સંબંધિત કેસોના મહત્વપૂર્ણ માર્ગદર્શક ચુકાદા રજૂ કરાયા હતા. જે ધ્યાને લઈ લેબર કોર્ટે અરજદારનો દાવો સ્વીકારી અરજદારોને રૂૂ. 13,500/-ની બાકી રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત અરજદારોને રૂૂ. 1,000/- ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો છે અને હુકમની તારીખથી 30 દિવસની અંદર ચુકવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં કર્મચારી વતી રાજકોટના એડવોકેટ જી.આર ઠાકર, ગાર્ગીબેન ઠાકર તથા અક્ષિતભાઇ ઠાકર રોકાયા હતા.
