જામનગર શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ખાનગી ટ્રાવેલ્સની બસોના પાર્કિંગ માટે મહાનગરપાલિકા દ્વારા જમીન ફાળવવાની દરખાસ્તને મળેલી સામાન્ય સભામાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત પટેલવાડી-રાજપાર્ક મેઈન રોડ પર આવેલી મનપાની ક્ધટ્રીબ્યુશન લેન્ડ વન વિભાગને પ્લાન્ટેશન અને જાળવણી માટે સોંપવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. બીજી તરફ શહેરમાં પાર્કિંગની સુવિધા, પુલ નીચેના દબાણો, અધૂરા બ્રિજનાં કામો, પાણીના લીકેજ અને સફાઈ સહિતના મુદ્દાઓને લઈને સભામાં શાસક અને વિપક્ષના સભ્યોએ વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને મળી હતી. સભામાં રજૂ થયેલી દરખાસ્તો અને પ્રશ્નોત્તરી દરમિયાન શહેરના અનેક નાગરિક પ્રશ્નો ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા.
શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ખાનગી ટ્રાવેલ્સ તેમજ ખાનગી કંપનીની માલિકીની બસોના પાર્કિંગ માટે મહાનગરપાલિકાની જમીનનો ઉપયોગ કરવાની દરખાસ્ત રજૂ થઈ હતી. આ અંગે પણ વિપક્ષનાં જેનબબેન ખફીએ વિગતો માંગી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે વિશાલ હોટલ પાસે કંપનીની બસો પાર્ક કરવામાં આવે છે, જ્યાં અંદાજે આઠથી દસ બસો ઊભી રહે છે. અન્ય સ્થળે પણ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવા માટે આ દરખાસ્ત લાવવામાં આવી છે. આ કામગીરી માટે કોન્ટ્રાક્ટ એજન્સીને જવાબદારી સોંપવામાં આવશે.
આ મુદ્દે જેનબબેન ખફીએ સવાલ કર્યો હતો કે ખાનગી બસોના પાર્કિંગની ચિંતા કરવામાં આવે છે, તો સામાન્ય નાગરિકોનાં વાહનોના પાર્કિંગ માટે પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ? તેના જવાબમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રોડ પર પીળા પટ્ટાની મર્યાદામાં પાર્કિંગની સુવિધા આપવામાં આવે છે. જોકે, ટાઉનહોલ પાસે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો મુદ્દો પણ સભામાં રજૂ થયો હતો.
મહાનગરપાલિકાના કમિશનરે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે શહેરમાં પાર્કિંગની સુવિધા વધુ સુદૃઢ બનાવવા માટે સર્વેની કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને પાર્કિંગની જગ્યાઓમાં થયેલાં દબાણો દૂર કરવા યોગ્ય પગલાં લેવામાં આવશે. સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજની નીચે પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવાનું પણ આયોજન છે. જોકે, વિપક્ષનાં જેનબબેન ખફી અને સહારાબેન મકવાણાએ આ પાર્કિંગ સુવિધા નાગરિકો માટે વિનામૂલ્યે રાખવાની માંગ કરી હતી.
