મનપા ફડાકા કાંડ : ઈજનેરો લડી લેવાના મૂડમાં, ધગધગતો રિપોર્ટ તૈયાર

સ્ટેન્ડિંગ ચેરમેને એજન્સીને બ્લેકલીસ્ટ કરવાની આપેલી ખાતરી પોકળ સાબિત થતાં ઈજનેરોમાં ભારે રોષ વ્યાપ્યો મ્યુનિસિપલ કમિશનર રજા પરથી આવ્યા બાદ ફરી વખત જોરદાર રજૂઆત કરી…

સ્ટેન્ડિંગ ચેરમેને એજન્સીને બ્લેકલીસ્ટ કરવાની આપેલી ખાતરી પોકળ સાબિત થતાં ઈજનેરોમાં ભારે રોષ વ્યાપ્યો

મ્યુનિસિપલ કમિશનર રજા પરથી આવ્યા બાદ ફરી વખત જોરદાર રજૂઆત કરી વધુ કાર્યક્રમો અપાય તેવી શક્યતા

રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી ઈજનેરને કોન્ટ્રાક્ટરે ફડાકો ઝીંકી દેતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં. ફડાકા કાંડ બાદ ઈજનેરોએ એકઠા થઈ વિરોધ નોંધાવી રામધુન બોલાવી મ્યુનિસિપલ કમિશનર સહિતનાને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલા ભરવાની માંગ કરી હતી. જે મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરાશે તેવી ખાતરી આપતા ઈજનેરોએ હડતાલ સહિતના કાર્યક્રમો પડતા મુક્યા હતાં. પરંતુ 10 દિવસથી વધુ સમય થયો હોવા છતાં કોન્ટાક્ટર વિરુદ્ધ પગલા ન લેવાતા અને ફરિયાદ પણ ન થતાં ઈજનેરોએ આજે આ મુદદ્દે કડક કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાનો નિર્ણય લઈ ધગધગતો રિપોર્ટ તૈયાર કર્યો છે. જે મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

મહાનગરપાલિકાની ઈસ્ટઝોન કચેરી ખાતે 5 જાન્યુઆરીએ આસિ. ઈજનેર ધવલ ગોલાણિયાને ડેપ્યુટી ઈજનેર નિકેશ મકવાણાની ચેમ્બરમાં કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ ફડાકો ઝીંકી દીધો હતો. પળભરમાં જ ઈજનેરો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. એજન્સી પટેલ ક્ધસ્ટ્રક્શનને બ્લેક લિસ્ટ કરવાની માંગ ઉઠી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જિનિયર્સ એસોસિએશને આ મામલે મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યુ હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ 48 કલાકમાં એજન્સીને બ્લેકલિસ્ટ કરાશે તેવી હૈયાધારણા આપી હતી. કમિશનરે કમિટી પણ રચી નાખી હતી. જો કે 10 દિવસ વિત્યા બાદ પોલીસ ફરિયાદ સુધ્ધા નથી કરાઈ પટેલ ક્ધસ્ટ્રક્શન અને લેબર કોન્ટ્રાક્ટર મનીષ બંને અલગ અલગ છે એવું સાબિત કરવા હાલ તરકીબો લગાવાઈ રહી છે. પટેલ ક્ધસ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ મળ્યો છે અને તેણે મનીષને કામ આપ્યું છે તેથી ફડાકો મારવા બદલ લેબર કોન્ટ્રાક્ટર મનીષની જવાબદારી બને તેમાં પટેલ ક્ધસ્ટ્રક્શનને કશું લેવા દેવા નહીં તેવી સલાહ કોઇ આપે તેની રાહ જોવાઈ રહી છે. જો કે હકીકત એ પણ છે કે મનપા જ્યારે કોન્ટ્રાક્ટ આપે ત્યારે આવી કોઇપણ ઘટનામાં મૂળ કોન્ટ્રાક્ટર જ જવાબદાર રહે તેવી કલમ ઉમેરે છે.

સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો ઈજનેરને લાફો માર્યાની વાત ફેલાતા ઈજનેરો સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્યા હતા અને રામધૂન બોલાવી હતી. મ્યુનિસિપલ કમિશનરને આવેદન અપાયું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું કે 48 કલાકમાં એજન્સી બ્લેક લિસ્ટ થશે. મ્યુનિસિપલ કમિશનરે કમિટી બનાવી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો હતો. જે રિપોર્ટમાં ફડાકો માર્યાની ઘટના અને નિવેદન સાથે અહેવાલ આપી દેવાયો છે. જો કે છેવટે જીત મેયરની જ થઈ છે કારણ કે ઈજનેરને માર મારનાર સામે કોઈ પગલાં લેવાયા નથી.

છેલ્લા થોડા સમયથી શાસક પક્ષમાં જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. પદાધિકારીઓ પોતપોતાની રીતે નિવેદનો આપી રહ્યા છે. તેમાં ખાસ કરીને સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર વચ્ચે ગ્રહણ સર્જાયુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઈજનેરોના જણાવ્યા મુજબ જેણે ફડાકો ઝીંક્યો છે તે મેયરના સગા છે જ્યારે જિલ્લા ભાજપ અગ્રણી તોગડિયાના ભાઈએ જ કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીનું સંચાલન કરે છે. જેના લીધે ઈજનેરોને મારમારનાર સામે હજુ સુધી કોઈ જાતના પગલા લેવામાં આવ્યા નથી. જેની સામે તંત્ર દ્વારા જવાબ રજૂ કરાયો છે કે, ક્ધટ્રક્શન અને લેબર કોન્ટ્રાક્ટર બન્ને અલગ બાબત છે. કોન્ટ્રાક્ટર દ્વારા પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અને ફડાકા મારનાર પેટા કોન્ટ્રાક્ટર છે. જેથી મુખ્ય એજન્સીને તેની સામે લેવાદેવા નથી. જો કે, હકીકત મુજબ મનપામાં જ્યારે કોન્ટ્રાક્ટ અપાય ત્યારે કોઈપણ ઘટનામાં જવાબદાર મુળ કોન્ટ્રાક્ટર જ હોય છે.

છતાં રાજકીય દબાણને વસ થઈ આજ સુધી કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા નથી. અને ફરી એક વખત સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા કરવામાં આવેલ હુકમને ઉચ્ચ અધિકારીઓ ઘોળીને પી ગયા હોય અથવા મેયરનું દબાણ આવ્યું હોય ગમે તે કારણોસર કોકડુ આજ સુધી ગુંચવાયેલું રહેતા ઈજનેરોએ હવે લડી લેવાનો મુડ બનાવી આગામી દિવસોમાં જલદ આંદોલન કરવા મન બનાવી લીધું હોવાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *