છેવાડાના વિસ્તારો સુધી સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે MOU

પાણી પુરવઠા યોજનાઓ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરી ગ્રામ પંચાયતોને સોંપવી, ઓપરેશન અને મેન્ટેનન્સ સુનિશ્ર્ચિત કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને…

પાણી પુરવઠા યોજનાઓ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરી ગ્રામ પંચાયતોને સોંપવી, ઓપરેશન અને મેન્ટેનન્સ સુનિશ્ર્ચિત કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્રના પેયજળ અને સ્વચ્છતા વિભાગ વચ્ચે જલ જીવન મિશન 2.0 અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સુવિધા વધુ સુલભ બનાવવા મહત્વપૂર્ણ એમઓયુ સંપન્ન થયાં છે. આ વેળાએ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારો સહિત દરેક ખૂણે પૂરતું સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સરકાર દ્વારા કરાયેલા આ એમઓયુ રાજ્યના પેયજળ વ્યવસ્થાપન તેમજ ગ્રામ્ય જનજીવનના ગુણાત્મક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

એમ.ઓ.યુ. અંતર્ગત પાણી પુરવઠા યોજનાઓ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરી ગામ પંચાયતોને સોંપવી, ઓપરેશન અને મેન્ટેનન્સ (OM) સુનિશ્ચિત કરવું, ગામ સ્તરે વિલેજ વોટર એન્ડ સનિટેશન કમિટિ (VWSC) દ્વારા પાણી વ્યવસ્થાનું સંચાલન, પાણી સ્ત્રોતોની લાંબા ગાળાની સુરક્ષા અને સસ્ટેનેબિલિટી પર ભાર મૂકવો વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ડિજિટલ મોનીટરીંગ માટે ‘સુજલમ ભારત’ અને ‘પીએમ ગતિશક્તિ’ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી પારદર્શિતા વધારવામાં આવશે. પાણીની ગુણવત્તા ચકાસણી, નાણાંકીય શિસ્ત, ‘નલ જલ મિત્ર’ જેવી પહેલો થકી માનવ સંસાધન વિકાસ અને પાણી સંરક્ષણ માટે જલ ઉત્સવ જેવા જનજાગૃતિ અભિયાનો પણ આ મિશનનો અભિન્ન ભાગ રહેશે.

આ અવસરે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકીંગ વોટર એન્ડ સેનિટેશનના સચિવ અશોક મીના વીડિયો કોન્ફરન્સના જોડાયા હતા, જ્યારે રાજ્ય સરકાર વતી પાણી પુરવઠાના અગ્ર સચિવ શાહમીના હુસેન, પાણી પુરવઠાના મુખ્ય ઈજનેર સર્વ નીરવ સોલંકી, કુ. ધરા વ્યાસ તેમજ ભાવિક રાઠોડ પ્રત્યક્ષ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *