ગૃહકલેશને કારણે વધુ એક પરિવારનો માળો વેરણછેરણ થઇ ગયો છે. શહેરના કોઠારીયા રોડ પર રામેશ્વર પાર્કમાં રહેતાં પટેલ પરિવારના માતા-પુત્રએ સજોડે ઝેર પી લેતાં સારવાર માટે ખસેડાયા હતાં. અહિ 23 વર્ષના દિકરાએ દમ તોડી દીધો હતો. માતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ હતા તેમણે પણ સારવારમાં દમ તોડી દીધો છે. જાણવા મળ્યા મુજબ રામેશ્વર પાર્ક-4માં રહેતાં દમયંતિબેન મનસુખભાઈ રબારા-પટેલ (ઉ.વ.58) અને તેમનો દિકરો બ્રિજેશ મનસુખભાઇ રબારા (ઉ.વ.23) ગઇકાલે ઘરે ઝેરી દવા પી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ટુંકી સારવાર બાદ સાંજે પુત્ર બ્રિજેશનું મૃત્યુ થતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર બ્રિજેશ બે ભાઈમાં નાનો અને અપરિણીત હતો. તે ઘર પાસે જ ફાસ્ટફૂડનો સ્ટોલ ચલાવતો હતો. તેનો મોટો ભાઇ પરિણીત છે અને તમામ પરિવારજનો સાથે જ રહે છે. મોટો ભાઇ પણ ફાસ્ટફૂડનો ધંધો કરે છે. સાંજે બહાર સ્ટોલ પર મૃતકના પિતા, મામા, મોટો ભાઇ સહિતના લોકો ચર્ચા કરતાં હતાં ત્યારે દમયંતિબેને પતિને ફોન કરી પોતે અને બ્રિજેશ દવા પી ગયા છે તેવુ કહેતાં બધા ઘરમાં દોડી ગયા હતાં અને મા-દિકરાને સારવાર માટે ખસેડયા હતાં. જો કે ટુંકી સારવાર બાદ બ્રિજેશનું મૃત્યુ થયું હતું.
માતા દમયંતિબેન સારવાર હેઠળ હતા.તેઓનું પણ સારવારમાં આજે મોત નીપજ્યું છે.આ ઘટનામાં મિલ્કત મામલે ગૃહકલેશ ચાલતો હોઇ આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. આપઘાત કરનાર બ્રિજેશના પિતા મનસુખભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.આ બનાવથી પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.
