શહેરના હોસ્પિટલ ચોક પાસે સગા જનનીએ પોતાની 20 વર્ષની દીકરીના ચહેરા પર એસિડ જેવો જ્વલનશીલ પદાર્થ ફેંકી દેતાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર યુવતી ચહેરો દાઝી ગયેલી હાલતમાં જાતે દોડીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
મળતી વિગતો મુજબ, કુબલીયાપરા વિસ્તારમાં રહેતી અંજલી તુલસીદાસ બહુકિયા (ઉં.વ. 20) ના બીજા લગ્ન થયા બાદ તેને સાસરિયા પક્ષ સાથે કોઈ કારણોસર અણબનાવ બન્યો હતો. આથી તેની માતા આશાબેન પુત્રીને તેડવા માટે ગયા હતા. દીકરીને સાસરેથી લઈને માતા-પુત્રી બંને રીક્ષામાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પુત્રીના લગ્નજીવન અને પારિવારિક પ્રશ્નોને લઈને માતા આશાબેન અને પુત્રી અંજલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
બંને વચ્ચેનો ઝઘડો એટલો હદ સુધી વધી ગયો હતો કે માતા-પુત્રી હોસ્પિટલ ચોકડી પાસે રીક્ષામાંથી નીચે ઉતરી ગયા હતા. દરમિયાન, ગુસ્સામાં ભાન ભૂલેલી માતા આશાબેને પોતાની પાસે રહેલો એસિડ જેવો જ્વલનશીલ પદાર્થ દીકરી અંજલીના ચહેરા પર ફેંકી દીધો હતો. એસિડ પડતાં જ અંજલી ચીસો પાડી ઉઠી હતી અને ગંભીર ઈજાઓ થવા છતાં તે પોતે જીવ બચાવવા દોડીને નજીકમાં આવેલી સિવિલ હોસ્પિટલે પહોંચી હતી.બનાવની જાણ થતાં જ ’એ’ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એચ.એન. જેઠવા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવતી અંજલીનું નિવેદન નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
