રાજકોટના આણંદપર વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા એક વૃદ્ધાએ પોતાના જ પુત્રના પરાક્રમો અને ત્યારબાદ મળતી ધમકીઓથી કંટાળીને ફિનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. હાલ આ મહિલાને ગંભીર હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, આણંદપરમાં રહેતા અમીતાબેન વાલજીભાઈ જાદવ (ઉં.વ. 60) ગઈકાલે સાંજે આશરે 7:00 વાગ્યે પોતાના ઘરે હતા, ત્યારે તેમણે ઘરમાં પડેલું ફિનાઈલ પી લીધું હતું.બાદમાં તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમીતાબેનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.
આ આત્મહત્યાના પ્રયાસ પાછળ પારિવારિક વિખવાદ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.અમીતાબેનનો પુત્ર જીતેન્દ્ર, પોતાની જ સગી માસી મંજુબેન મનુભાઈ રાઠોડ (રહે. થોરાળા)ની દીકરી પૂજાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો છે. પુત્રના આ કૃત્યને કારણે પરિવારમાં ભારે તણાવ ઊભો થયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પુત્ર જીતેન્દ્ર માસીની દીકરીને લઈને ભાગી જતાં, સામા પક્ષ તરફથી અને સંબંધીઓ તરફથી અમીતાબેનને સતત મેણા-ટોણા અને ધમકીઓ આપવામાં આવતી હતી.પુત્રના કૃત્યને કારણે સમાજમાં મોઢું બતાવવું મુશ્કેલ બન્યું હતું અને ઉપરથી મળતી સતત ધમકીઓને કારણે માનસિક રીતે ભાંગી પડેલા અમીતાબેને અંતે કંટાળીને આ આત્યંતિક પગલું ભરી લીધું હતું.
