રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવાની ઝુંબેશના ભાગરૂપે આણંદપર ગામમાં આશરે 3 હજાર ચોરસ મીટર જમીન ઉપર ખડકાયેલા 50થી વધુ દબાણો હટાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા નોટીસો આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પર થતા ગેરકાયદે દબાણો ડામી દેવા માટે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે કડક વલણ અપનાવ્યું છે. કલેક્ટરની સૂચનાના પગલે રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા આણંદપર ગામમાં સરકારી જમીન પર ખડકાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે રાજકોટ નજીક આવેલા આણંદપર ગામમાં અંદાજિત 3,000 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે. અહીં પાયાના નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરીને કાચા-પાકા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા. 50 થી વધુ ગેરકાયદે મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. દબાણ કર્તાઓને 7 દિવસ (એક અઠવાડિયા) ની અંદર સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા આદેશ અપાયો છે.
