રશિયા તરફથી લડી રહેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈને યુક્રેન સેનાની સમક્ષ આત્મ સમર્પણ કર્યુ છે. માજોતી સાહિલ ગુજરાતના મોરબીનો રહેવાસી છે. તે ભણવા માટે રશિયા ગયો હતો. જો કે ત્યાં એવી સ્થિતિનું નિર્માણ થયું કે તેને યુદ્ધ ભૂમિમાં ઉતરવાની ફરજ પડી હતી. માજોતી સાહિલ મોહમ્મદ હુસૈને યુદ્ધના મેદાનમાં માત્ર ત્રણ દિવસ વિતાવ્યા બાદ 63મી મિકેનાઇઝ્ડ બ્રિગેડ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
ANIના અહેવાલ અનુસાર, કિવમાં ભારતીય મિશન આ અહેવાલોની સત્યતાની તપાસ કરી રહ્યું છે. યુક્રેનિયન પક્ષ તરફથી હજુ સુધી કોઈ ઔપચારિક માહિતી મળી નથી.
યુક્રેનિયન સેનાએ ટેલિગ્રામ પોસ્ટમાં આરોપ લગાવ્યો હતો કે હુસૈન શરૂઆતમાં રશિયા અભ્યાસ કરવા ગયો હતો પરંતુ બાદમાં ડ્રગ સંબંધિત આરોપોમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બ્રિગેડે એક નિવેદનમાં કહ્યું હતું કે, “તે જેલથી બચવા માટે યુદ્ધમાં જોડાયો હતો.”
બ્રિગેડ દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં, હુસૈન રશિયન ભાષામાં બોલતો અને સ્વીકારતો જોવા મળે છે કે તે જેલની સજાથી બચવા માટે રશિયન સેનામાં ભરતી થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માજોતીએ જણાવ્યું હતું કે તે જેલ જવા માંગતો ન હતો. જેના કારણે તેને રશિયન સેનાનો કોન્ટ્રાક્ટ સાઇન કરવો પડયો હતો. તેને ફક્ત ૧૬ દિવસની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી અને ત્યારબાદ એક ઓક્ટોબરે તેને યુદ્ધના મેદાનમાં ઉતારી દેવામાં આવ્યો હતો.
ત્રણ દિવસ પછી પોતાના કમાન્ડર સાથે ઝઘડો થતાં તેણે યુક્રેન સેના સામે આત્મ સમર્પણ કરી લીધું હતું. તેણે યુક્રેન સેનાને જણાવ્યું હતું કે મારે લડવું નથી મારે મદદની જરૂર છે.
માજોતીએ જણાવ્યું હતું કે તે રશિયા પરત ફરવા માંગતો નથી. સેનામાં ભરતીને બદલે તેને નાણાં આપવાનું જણાવવામાં આવ્યું હતું પણ તેને કંઇ પણ મળ્યું ન હતું.
ભારતના વિદેશ મંત્રાલયે જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે રશિયા તરફથી લડતી વખતે યુક્રેનમાં ૧૨ ભારતીયોનાં મોત થયા છે. અત્યાર સુધી 126 ભારતીય નાગરિકોને રશિયન સેનામાં સામેલ કરવાના કેસો સામે આવ્યા છે. જેમાંથી ૯૬ લોકો ભારત પરત આવી ગયા છે. ૧૮ ભારતીયો હજુ પણ રશિયામાં ફસાયેલા છે. જે પૈકી ૧૬ની કોઇ માહિતી મળી નથી.
