4 જૂને સત્તાવાર પ્રવેશ બાદ સરેરાશ અઢી ઇંચ વરસાદની સામે માત્ર પોણો ઇંચ વરસાદ; જેટ સ્ટ્રોમના લીધે વાદળો વિખેરાયા
દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની ઋતુમાં આ વર્ષે અણધારી વિરામ આવી ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અને INSAT-3DS સેટેલાઇટ છબીઓ અનુસાર, દેશના મોટા ભાગમાં વરસાદની પ્રવૃત્તિ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગઈ છે. 4 જૂનથી 15 જૂન વચ્ચે દેશભરમાં માત્ર 19.2 મિમી વરસાદ પડ્યો છે, જ્યારે સામાન્ય 53.7 મિમી હોવો જોઈએ. આના કારણે રાષ્ટ્રીય સ્તરે 64 ટકા વરસાદની ખોટ નોંધાઈ છે.
સેટેલાઇટ છબીઓમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે પેનિન્સુલર અને મધ્ય ભારતમાં વાદળોની વ્યાપક છત્રીના બદલે આકાશ સ્વચ્છ છે. હિમાલય, ઉત્તર-પૂર્વ અને ઉત્તર ગંગા મેદાનોમાં જ વરસાદી વાદળો મર્યાદિત છે, જ્યારે અરબી સમુદ્રની શાખા પણ નબળી અને વિખરાયેલી દેખાઈ રહી છે. કેન્દ્રીય, દક્ષિણી અને પૂર્વીય રાજ્યોમાં પીળા અને લાલ રંગના વિસ્તારો વરસાદની અછતની ગંભીર તસવીર દર્શાવે છે. હવામાન નિષ્ણાતોના મતે, આ સમસ્યા સમુદ્રી ભેજની અછતને કારણે નથી, પરંતુ ઉપરી વાતાવરણમાં ચાલી રહેલા મોટા પાયાના વાતાવરણીય સંઘર્ષને કારણે છે.
વેસ્ટર્લી જેટ સ્ટ્રીમ સામાન્ય કરતાં વધુ દક્ષિણ તરફ ખસી ગયો છે, જે પૂર્વીય જેટને અસર કરી રહ્યો છે. સામાન્ય રીતે પૂર્વીય જેટ વરસાદ અને વાદળોના નિર્માણને પ્રોત્સાહન આપે છે, પરંતુ આ વખતે તે અવરોધાઈ રહ્યો છે.
કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય ભારતમાં મોન્સૂન આગળ વધ્યો છે, છતાં અસરકારક વરસાદ નથી પડી રહ્યો. નિષ્ણાતો આને ‘મોન્સૂન પોઝ’ તરીકે વર્ણવી રહ્યા છે, જે અસ્થાયી છે. આગામી દિવસોમાં જેટ સ્ટ્રીમની અસર ઘટતાં વરસાદી પ્રવૃત્તિ વધી શકે છે. ત્યાં સુધી ખેડૂતો અને સામાન્ય લોકોને વરસાદની રાહ જોવી પડશે. આ પરિસ્થિતિ કૃષિ, જળસંગ્રહ અને અર્થતંત્ર પર અસર કરી શકે છે. ઈંખઉ સતત મોનિટરિંગ કરી રહ્યું છે.
ચોમાસામાં પણ ગરમીનો કહેર યથાવત, IIMની ગંભીર ચેતવણી
શરીરની કુદરતી ઠંડક પ્રણાલી ડિસ્ટર્બ થઇ જશે, 70 કરોડ લોકો થશે પ્રભાવિત
જળવાયુ પરિવર્તનના કારણે ભારતમાં માન્સૂનની મોસમ પણ ઉનાળાની લૂ જેવી જોખમી બની શકે છે. આઈઆઈટી ગાંધીનગરના નેતૃત્વમાં કરવામાં આવેલા એક નવા અભ્યાસ અનુસાર વૈશ્વિક તાપમાન ઔદ્યોગિક કાળ પહેલાના સ્તર કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ વધે તો દેશના લગભગ 53 ટકા વિસ્તારોમાં માન્સૂન દરમિયાન એવી ગરમી અને ઉમસ છવાઈ જશે કે લોકો તોબા પોકારી ઉઠશે.
આ અભ્યાસમાં જે સ્થિતિને સૌથી વધુ ચિંતાજનક ગણવામાં આવી છે તેને વૈજ્ઞાનિક ભાષામાં ‘અનકમ્પેન્સેબલ હીટ સ્ટ્રેસ’ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એવી સ્થિતિ છે જ્યારે તાપમાન અને હવામાં ભેજનું સ્તર એટલું વધી જાય છે કે શરીરની કુદરતી ઠંડક પ્રણાલી કામ કરવાનું બંધ કરી દે છે. સામાન્ય રીતે શરીર પરસેવા દ્વારા વધારાની ગરમી બહાર કાઢે છે, પરંતુ અત્યંત ઉમસમાં પરસેવો સુકાતો નથી અને શરીરની અંદરની ગરમી સતત વધતી રહે છે.
અભ્યાસ અનુસાર આવી સ્થિતિમાં વ્યક્તિ ભારે કામ ન કરતો હોય તો પણ તેનું શરીર સામાન્ય તાપમાન જાળવી રાખવામાં સંઘર્ષ કરી શકે છે. લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે તો હીટ સ્ટ્રોક, ગંભીર આરોગ્ય સમસ્યાઓ અને મૃત્યુનું જોખમ વધી જાય છે.
અભ્યાસમાં ગંગાના મેદાની વિસ્તારો, ઉત્તર-પશ્ચિમ ભારત અને પૂર્વીય તટીય વિસ્તારોને સૌથી વધુ સંવેદનશીલ જણાવવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં રહેતા લગભગ 70 કરોડ લોકોને વધતી ગરમી અને ઉમસના સંયુક્ત પ્રભાવનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ખેડૂતો, બાંધકામ મજૂરો, સડક બાંધકામ અને અન્ય શ્રમ આધારિત કાર્યોમાં લાગેલા લોકો સૌથી વધુ અસરગ્રસ્ત થઈ શકે છે. દેશના લગભગ 60 ટકા વિસ્તારોમાં આવી સ્થિતિ સર્જાઇ શકે છે.
