ધમકી આપતા કહ્યું,વ્યાજના પૈસા નહીં આપો તો પથારીમાં પડેલા પતિને છરીના ઘા મારી દઈશ
શહેરમાં વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં હોસ્પિટલના ખર્ચ માટે ઉછીના લીધેલા નાણાંના બદલામાં મહિલાનું સોનાનું મંગળસૂત્ર બળજબરીથી પડાવી લેવામાં આવ્યું હોવાની ઘટના બની છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મવડી વિસ્તારમાં રહેતા ડીમ્પલબેન વિપુલભાઈ પાંભરે વ્યાજખોર ભાવિન અશોકભાઈ ટિટીયા નામના શખ્સ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ કેસની વિગત એવી છે કે આશરે દોઢ વર્ષ પૂર્વે ફરિયાદીના પતિ અને ભાઈને ઝઘડામાં ઈજા થતા પતિ હોસ્પિટલમાં દાખલ હતા.સારવારના ખર્ચ માટે નાણાંની તાતી જરૂરિયાત ઉભી થતા ડીમ્પલબેને પોતાના માસીના દીકરા ભાવિન ટિટીયા પાસેથી રૂ. 2,00,000/- વ્યાજે લીધા હતા.
શરૂઆતમાં આ રકમનું માસિક 6000 રૂપિયા વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું અને ફરિયાદીએ એક મહિનો વ્યાજ પણ ચૂકવ્યું હતું. જોકે, બીજા મહિને વ્યાજ ચૂકવવાની સગવડ ન થતા આરોપી ભાવિન ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો અને ઉશ્કેરાઈને બોલાચાલી કરી હતી. આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી કે જો વ્યાજના પૈસા નહીં આપો તો પથારીમાં પડેલા તેના પતિને છરીના ઘા મારી દેશે.આ રીતે ડરાવી-ધમકાવીને આરોપીએ મહિલાના ગળામાંથી આશરે પાંચ તોલાનું સોનાનું મંગળસૂત્ર, જેની કિંમત આશરે રૂ. 3,50,000/- હતી, તે બળજબરીથી કઢાવી લીધું હતું. ત્યારબાદ આરોપીએ આ મંગળસૂત્ર ક્યાંક ગીરે મૂકી દીધું હોવાનું જણાવી ફરિયાદી પાસેથી અલગ-અલગ સમયે ઓનલાઇન નાણાં પણ ટ્રાન્સફર કરાવ્યા હતા.
જ્યારે ફરિયાદી પાસે મૂળ રકમ રૂ. 2,00,000/- ની વ્યવસ્થા થઈ ગઈ ત્યારે તેમણે મંગળસૂત્ર પરત માંગ્યું હતું.
પરંતુ આરોપી ભાવિને વ્યાજ સાથે કુલ રૂ. 6,00,000/- ની માંગણી કરી મંગળસૂત્ર આપવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદીના પિતાના ઘરે જઈને પણ ઉઘરાણી કરી અસભ્ય વર્તન કર્યું હતું.
આ સતત થતી હેરાનગતિથી કંટાળીને મહિલાએ અંતે પોલીસમાં અરજી કરી હતી. આ મામલે રાજકોટ તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 308(5), 351(3) અને ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આ ફરિયાદમાં કરેલા આક્ષેપો સામે હાલ પીએસઆઇ કારેણા તપાસ ચલાવી રહ્યા છે.
