ત્યારબાદ ભારતમાં ‘એક રાષ્ટ્ર એક ઈલેકશન’નો અમલ અને ચાઈના-રશિયા જેવી રાજનીતિની શરૂઆત થશે
ભાજપે સંજય જોષી જેવા સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા જોઈએ, હાલ દેશમાં ધર્મદંડ ઉપર રાજદંડ સવાર થઈ ગયો છે, સાધુ-સંતો નેતાઓને આશિર્વાદ આપવા વેઈટિંગમાં બેસે છે
રાજકીય તાંત્રિક સ્વ.ચંદ્રાસ્વામીનું સામ્રાજ્ય સંભાળતા તેમના પ્રખર શિષ્ય સુનિલ સ્વામી ‘ગુજરાત મિરર’ ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં અને રાજનીતિ અંગે કેટલીક આગાહીઓ પણ કરી હતી. તેમની સાથે તેમના સ્થાનિક શિષ્યો જીતેન્દ્રદભાઈ રૈયાણી, ભરતભાઈ મકવાણા તથા અમરીશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
કોંગ્રેસનું ભવિષ્ય ઉજ્જવળ, પણ સોનિયા ગાંધીએ પુત્રમોહ ત્યાગવો પડશે, ગાંધીજીની વિચારધારાને કયારેય ભુલી કે ભુલાવી શકાય નહીં, ચલણી નોટ ઉપર કાયમ તેનો જ ફોટો છપાવો જોઈએ
એમ સમયના તોખાર રાજકીય તાંત્રિક ચંદ્રાસ્વામીના પ્રખર શિષ્ય સુનિલ સ્વામીનો તલસ્પર્શી ઈન્ટરવ્યૂં
1990ના દાયકામાં દિલ્હીથી દેશ-વિદેશના રાજકારણમાં પડદા પાછળના કસબીની નિર્ણાયક ભૂમિકા ભજવનાર અને રાજકીય તાંત્રિક તરીકે વિખ્યાત બનેલા વિશ્ર્વ ધર્મયાતન સંસ્થાનના સ્થાપક ચંદ્રાસ્વામીના પ્રખર શિષ્ય સુનિલ સ્વામીએ ભારતની વર્તમાન અને ભાવિ રાજનીતિ અંગે અનેક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી.
છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રનાં સોમનાથ-દ્વારકા-બેટ દ્વારકા-ચોટિલા સહિતના યાત્રાધામોની યાત્રાએ આવેલા સુનિલ સ્વામી ‘ગુજરાત મિરર’ ની મુલાકાતે આવ્યા હતાં અને દેશની રાજનીતિ અંગે ‘ગુજરાત મિરર’ના તંત્રી સંજય પટેલ સાથે લાંબી ચર્ચા કરી હતી. શ્રી સુનિલ સ્વામીએ વડાપ્રધાન મોદી અંગે જણાવ્યું હતું કે, પી.એમ.મોદીને 75 વર્ષ પુરા થયા બાદ 2027માં દેશના રાષ્ટ્રપતિ બની જશે અને ત્યારબાદ ભારતમાં રશિયા અને ચાઈના જેવી રાજનીતિ સાથે ‘એક રાષ્ટ્ર એક ઈલેકશન’ નો અમલ થશે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપે સંજય જેવા સિંહને ગીદડ બનાવી દીધો છે. ભાજપે દેશની સાચી સેવા કરવી હોય તો સંજય જોષીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવા જોઈએ.
વર્તમાન રાજનીતિ ઉપર પ્રહારો કરતાં જણાવેલ કે, દેશમાં અત્યારે ગંદી રાજનીતિ થઈ રહી છે. ધર્મદંડ ઉપર રાજદંડ સવાર થઈ ગયો છે. એક સમય એવો હતો કે, રાજનેતાઓ સાધુ-સંતોના આર્શિવાદ લેવા તેના આશ્રમોએ જતાં હતાં. આજે સાધુ સંતો સામે ચાલીને નેતાઓની ઓફિસોમાં આર્શિવાદ આપવા પહોંચી જાય છે અને બે બે કલાક વેઈટીંગમાં પણ બેસે છે.
વડાપ્રધાન મોદી અંગે સુનિલ સ્વામીએ જણાવેલ કે પ્રધાનમંત્રી કોઈ પાર્ટીના હોવા જોઈએ નહીં. તેમના માટે તમામ સંસદ સભ્યો એક સમાન હોવા જોઈએ, પરંતુ ભારતમાં અત્યારે આનાથી વિપરિત આચરણ થઈ રહ્યું છે. સંસદમાં કોઈ સાંસદ સામે વ્યક્તિગત આંગળી ચિંધવામાં આવે ત્યારે વડાપ્રધાન પદની ગરીમા હણાય છે પરતું અત્યારે સંસદમાં આવું થઈ રહ્યું છે. કોરોના જેવી મહામારીમાં લોકોનું ધ્યાન ભટકાવવા માટે દીવડા પ્રગટાવવા અને થાડી વગાડવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ પણ પ્રધાનમંત્રીનું નથી.
કોંગ્રેસની સ્થિતિ અંગે પુછતા તેમણે જણાવેલ કે, કોંગ્રેસનું ભવિષ્ય સારૂ છે પરંતુ સોનિયા ગાંધીએ પુત્રમોહ છોડીને મજબૂત હાથોમાં કોંગ્રેસનું નેતૃત્વ સોંપવું પડશે. યુવાનોને આગળ કરીને રાહુલ ગાંધીને કોંગ્રેસથી સંપૂર્ણ અળગવા કરવા જોઈએ તેમજ ભાજપના પૂર્વ સાંસદ વરૂણ ગાંધીને કોંગ્રેસમાં લઈને તેને સંગઠનની મહત્વની જવાબદારી સોંપવી જોઈએ. આજની કોંગ્રેસ સ્વ.સંજય ગાંધીની કોંગ્રેસ હોય તેવું જણાય છે.ગાંધીજી વિષે બોલતા સુનિલ સ્વામીએ જણાવ્યું કે, ગાંધીજીને કયારેય ભુલી કે, ભુલાવી શકાય નહીં, ગાંધી વિછારધારા દેશના ડીએનએમાં ઉતરી ગઈ છે અને દેશની ચલણી નોટો ઉપર ગાંધીજીનો જ ફોટો રહેવો જોઈએ, આ માટે કોઈ નેતાએ પ્રયાસ કે, વિચાર પણ કરવો જોઈએ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રસ્વામી એક રાજકીય તાંત્રિક હતા અને ભારતીય રાજકારણના સૌથી વિવાદાસ્પદ પાત્રોમાંના એક હતા. 23 મે 2017 ના રોજ 66 વર્ષની વયે તેમનું અવસાન થયું. એક સમયે, ચંદ્રસ્વામીના ઘણા દેશોની સરકારોના શક્તિશાળી લોકો સાથે સંબંધો હતા અને આ માટે તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતા. એવું કહેવાય છે કે તેઓ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન પીવી નરસિંહ રાવના નજીકના સલાહકારોમાંના એક હતા. માર્ગારેટથેચર બ્રિટનના વડાપ્રધાન બનશે તેવી ચંદ્રા સ્વામીની ભવિષ્યવાણી સાચી પડતા માર્ગારેટથેચર પણ તેના શિષ્ય બની ગયા હતાં.
